વોશિંગ્ટન-

અમેરિકામાં કોરોનાનો કેર યથાવત છે, ત્યાં 31 લાખ કોરોનાના કેસ સામે આવી ચૂક્યા છે. તેમ છતાં ડોનાલ્ડ ટ્રમ્પે દેશભરની તમામ શાળાઓ ફરીથી ખોલવાની સૂચના આપી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શાળાઓને ધમકી આપી હતી કે, જા શાળાઓ ફરીથી ખોલવામાં નહીં આવે તો તેને મળતું ભંડોળ અટકાવવામાં આવશે.

તમને જણાવી દઇએ કે, અમેરિકી સ્વાસ્થ્ય વિભાગે કોરોના સંકટને ધ્યાનમાં લઇને ઘણી માર્ગદર્શિકા જાહેર કરી છે, પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેનો વિરોધ કરી રહ્યાં છે. ટ્રમ્પનું કહેવું છે કે, સ્વાસ્થ્ય અધિકારીઓની સુરક્ષા માર્ગદર્શિકા અવ્યવહારુ છે. સામાન્ય લોકો માટે તે ખૂબ જ ખર્ચાળ છે.બીજી તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સે જાહેરાત કરી હતી કે, રોગ નિયંત્રણ અને તેને નિવારણ માટેનાં કેન્દ્રો આવતા અઠવાડિયે નવી માર્ગદર્શિકા બહાર પાડશે.

ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સના અનુસાર તેની નવી માર્ગદર્શિકાથી શાળાઓને મદદ મળી રહેશે. તેમજ વિદ્યાર્થીઓ પણ સુરક્ષિત રહેશે.અમેરિકી રાષ્ટ્રપતિ એ પ્રાંત અને સ્થાનિક અધિકારીઓ પર દબાણ વધાર્યું છે, પરંતુ ન્યૂયોર્ક શહેરે જાહેરાત કરી છે કે, મોટાભાગના વિદ્યાર્થીઓ અઠવાડિયામાં માત્ર બે કે ત્રણ દિવસ શાળામાં આવશે. તેમજ વચ્ચે વચ્ચે ઓનલાઇન અભ્યાસ કરશે.