વડોદરા,  કોલસાની તંગીને લઈને રાજ્યમાં વીજકાપનું સંકટ તોળાઈ રહ્યું છે, તેવા સમયે રાજ્યના તમામ ગ્રાહકોને વીજમાગને સંતોષવા માટે રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપનીઓ દ્વારા પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું એમજીવીસીએલના એમ.ડી.એ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

વીજ કંપનીના એમ.ડી. તુષાર ભટ્ટે જણાવ્યું હતું કે, રાજ્યમાં વીજકાપ લદાશે તેવી અફવાઓ ફેલાઈ રહી છે, પરંતુ અફવાઓથી વીજ કંપનીના ગ્રાહકોને ગભરાવવાની કોઈ જરૂર નથી. રાજ્યમાં વીજકાપની સ્થિતિ સર્જાય તેવા કોઈ એંધાણ નથી. અઠવાડિયા કરતાં હાલમાં પરિસ્થિતિ ખૂબ જ સારી છે અને બે દિવસમાં સામાન્ય બની જશે. આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ સારી બનશે તેમ જણાવ્યું હતું. સામાન્ય રીતે રિન્યુએબલ એનર્જિ પર વિશ્વાસ કરીએ છીએ. હાલ સાંજના સમયમાં ૩૦ મિનિટ સુધી કૃષિ માટે વીજકાપ આપવામાં આવ્યો છે. કૃષિમાં પણ ખેડૂતો માટે શિડયુલ બનાવ્યું છે. સવારે ૬ થી ૮ વાગ્યા સુધી વીજળી સપ્લાય આપીએ છીએ. હાલ ૩૦ મિનિટ માટે ખેડૂતોને અસર થઈ છે. હાલ કોલસાની પણ ઘટ નથી. મધ્ય ગુજરાતમાં ૧૬૦૦ મેગાવોટ વીજળીની રોજ જરૂરિયાત હોય છે. લોડ દરમિયાન ૩૦ ટકાની અછત સર્જાતી હોય છે. જાે કે, જીસેકના ૧૦ પ્લાન્ટ શરૂ કરાશે. હાલમાં ૬ પ્લાન્ટ ચાલુ છે જેમાં વીજળી ઉત્પન્ન થઈ રહી છે. સોલાર ઊર્જા ર૦૦૦ મેગાવોટ વીજ ઉત્પન્ન થાય છે, જ્યારે રાતના સમયે વીજળી માટે તો થર્મલ ગેસ અને કોલસા ઉપર જ આધારિત છે. વીજળી ઉત્પન્ન થાય એટલે તેનો ઉપયોગ કરવો જ પડે તેની બચત થતી નથી. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાના ભાવમાં થયેલ તીવ્ર વધારો, ગેસ સીમિત ઉપલબ્ધતા અને હંગામી ધોરણે ટેકનિકલ કારણોથી બંધ થયેલા જીએસઈસીએલના વીજ મથકોને કારણે રાજ્યમાં વીજ મથકમાંથી વીજ ઉત્પાદનના જથ્થાને અસર થઈ છે. પરંતુ હંગામી ધોરણે ઉદ્‌ભવેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર અને તેના હસ્તકની વીજ કંપનીઓ દ્વારા તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટેકનિકલ કારણોથી અસરગ્રસ્ત થયેલ વીજ એકમોને તેની સંપૂર્ણ ક્ષમતાએ પુનઃ કાર્યરત કરવા માટે પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. આગામી બે દિવસમાં સમસ્યાનું નિરાકરણ થઈ જશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અફવાથી ગેરમાર્ગે ન દોરાવવાનો અનુરોધ કર્યો હતો. એમજીવીસીએલના મુખ્ય ઈજનેર એમ.ટી.સંગાડા અને અધિક મુખ્ય ઈજનેર કે.બી.ઢેબર ઉપસ્થિત રહ્યા હતા.