19, ઓક્ટોબર 2020
મુંબઇ
ટીવી સિરિયલ 'કુમકુમ ભાગ્ય' ફૅમ ઈન્દુ દાદી એટલે કે ઝરીના રોશન ખાનનું 54 વર્ષની ઉંમરમાં અવસાન થયું હતું. તેમનું અવસાન કાર્ડિયેક અરેસ્ટને કારણે થયું હોવાનું માનવામાં આવે છે. ઝરીનાના આકસ્મિક મોતથી સિરિયલના કલાકારો આઘાતમાં છે. તેમણે સોશિયલ મીડિયામાં ઝરીનાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
સિરિયલમાં પ્રજ્ઞાનો રોલ પ્લે કરતી શ્રૃતિ ઝાએ ઝરીના સાથે ડાન્સ કરતી હોય તેવો વીડિયો ઈન્સ્ટામાં શૅર કર્યો હતો અને કેપ્શનમાં બ્રોકન હાર્ટ ઈમોજી પોસ્ટ કરી હતી. તો સિરિયલમાં અભિનો રોલ કરતો શબ્બીર આહલુવાલિયાએ ઝરીના સાથેનો ફોટો શૅર કરીને કેપ્શનમાં લખ્યું હતું, 'વો ચાંદ સા રોશન ચહેરા...'
સિરિયલમાં કામ કરતા અન્ય કલાકાર અનુરાગ શર્માએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ દુઃખદ છે કે ઝરીના રોશન ખાનનું આ રીતે આકસ્મિક મોત થયું. તેઓ ઘણાં જ ખુશમિજાજ વ્યક્તિ હતા. 54ની ઉંમરમાં પણ તેઓ એનર્જીથી ભરપૂર રહેતા. તેને લાગે છે કે ઝરીનાએ પોતાની કરિયરની શરૂઆત કદાચ એક સ્ટંટવુમન તરીકે કરી હતી. તેઓ રિયલ લાઈફમાં ફાઈટર હતા. ગયા મહિને તેણે ઝરીના સાથે શૂટિંગ કર્યું હતું અને ત્યારે તેઓ એકદમ ઠીક હતા. અચાનક જ તેને તેમના મોતના સમાચાર મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે 'કુમકુમ ભાગ્ય' ઉપરાંત ઝરીના રોશન ખાને 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં પણ કામ કર્યું હતું. 'કુમકુમ ભાગ્ય'માં ઈન્દુ દાદીનો રોલ પ્લે કરીને તેઓ ઘેર-ઘેર જાણીતાં બન્યાં હતાં.