બાલાસિનોર : દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના નેટવર્કને પોલીસે ઉઘાડું પાડ્યું છે. બુટલેગરો સક્રિય બન્યાં હોવાની બાતમી પછી એક ગાડી રાજસ્થાનથી નીકળી દેવ ચોકડી થઈ બાલાસિનોરના મુખ્ય બજારમાં થઈ ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે ચોકડી ઉપર હાજર પોલીસને ગાડી વિશે શંકા જતાં તેને અટકાવીને તલાશી લેતાં કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનથી બાલાસિનોર સુધી પહોંચવા માટે રસ્તામાં કેટલીય ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ ચાલી રહ્યું હોવા છતાં દારૂની ગાડી સડસડાટ નીકળી ગઈ હતી. દિવાળીના તહેવારો નજીક હોય જિલ્લા પોલીસ વડાની સૂચનાના આધારે બાલાસિનોર પોલીસ દ્વારા નગરના મુખ્ય પ્રવેશ માર્ગો ઉપર પોઇન્ટ ગોઠવી ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન અચાનક એક સિલ્વર કલરની એસએક્સ ફોર મારુતિ સુઝુકી ગાડી રજિસ્ટ્રેશન નંબર આર.જે.૨૭ સી.એ. ૫૩૫૨ નીકળતાં તેની પર પોલીસને શંકા ગઈ હતી. કારની તલાશી લેતાં તેમાંથી પરપ્રાંતિય દારૂની બોટલો મળી આવી હતી. ડ્રાઈવર અને સાથે એક વ્યક્તિની પૂછપરછ કરતાં તેનું નામ કમલેશકુમાર ઓમ પ્રકાશ બીનોઇ (રહે, દાતા, તાલુકો સાચોર, જિલ્લો જાલોર, રાજસ્થાન) અને બીજાે આરોપી નરેશકુમાર પુનારામ બીનોઇ (રહે, કરવાળા, તાલુકો રાનીવાડ, જિલ્લો જાલોર, રાજસ્થાન)ના હોવાનું ખુલ્યું હતું. બાલાસિનોર પોલીસે બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.