વડોદરા : વડોદરા શહેર નજીક નંદેસરી પાસે આવેલ દામાપુરા ગામે આજે વરસોજૂના મકાનની દીવાલ ધરાશાયી થવાથી બે નિર્દોષ બાળકોનાં મોત થયાની ગોઝારી ઘટના બની હતી. આ બનાવને પગલે ખોબા જેવડા ગામમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ હતી. બે બાળકોનાં પરિવારની વહારે આખું ગામ આવ્યું હતું. આ બંને બાળકોને ગામના લોકોએ જ દીવાલના કાટમાળમાંથી બહાર કાઢી સારવાર અર્થે છાણી ખાતે આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા. 

માહિતગાર સૂત્રો દ્વારા બનાવની પ્રાપ્ત વિગત અનુસાર શહેર નજીક આવેલ નંદેસરી ગામ પાસે દામાપુરા નામનું પરુ આવેલ છે. આ દામાપુરામાં ભાથીજી ફળિયામાં દિગ્વિજય રણજિતસિંહ પરમાર (ઉં.વ.૧૦) અને વિક્રમ ઠાકોરસિંહ પરમાર (ઉં.વ.૧૦) તેમના પરિવાર સાથે રહેતા હતા. આ બંને બાળકો રોજ મુજબ આંગણવાડીમાં આવેલ સરકારી નાસતો લેવા માટે સવારે ઘરેથી નીકળ્યા હતા. તેઓ બંને જણા રોજના રસ્તેથી ચાલતા જતા હતા એ દરમિયાન રસ્તે આવતા વરસોજૂના મકાનની ૧૦ ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતી દીવાલ અચાનક કડાકા સાથે ધરાશાયી થઈ હતી. આ બંને બાળકો કંઈક વિચારે અને ભાગવાનો પ્રયત્ન કરે એ પહેલાં જ બંને બાળકો દીવાલના કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ બાળકોની ચીસો સાંભળી ફળિયામાં રહેતા કેટલાક લોકો દોડી આવ્યા હતા.

આ બનાવની જાણ ગામમાં વાયુવેગે ફેલાતાં ગામના અન્ય લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દીવાલના કાટમાળમાંથી બંને બાળકોને બહાર કાઢયા હતા. તે બાદ બેભાન હાલતમાં સારવાર માટે છાણી ખાતે આવેલ ખાનગી શ્રીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા. આ ગોઝારી ઘટનાથી દામાપુરા ગામમાં ભારે શોકની લાગણી ફેલાઈ હતી. મૃત બાળકોને છાણી પોલીસે પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયા હતા.