ભરૂચ, ભરૂચ ઉદ્યોગનગર ભોલવમાં શુક્રવારે બપોરે વીજ કંપનીના શટડાઉન મેઇન્ટેન્સ વેળા રિવર્સ કરંટની સંભવિત ઘટનાને કારણે થાંભલે ચઢી કામ કરતા લાઈનમેન અને તેને બચાવવા ગયેલા હેલ્પરનો જીવ જાેખમમાં મુકાયો હતો. જાેકે અન્ય ૪ સાથી કર્મચારીઓએ તુરંત હાથ ધરેલા રેસ્ક્યુમાં બન્નેના જીવ બચાવી લેવાયા હતા. આ દિલધડક લાઈવ રેસ્ક્યુ કેમેરામાં કેદ થઈ ગયું હતું. હાલ ભરૂચ જિલ્લામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા તબક્કાવાર પ્રિ-મોન્સૂન કામગીરી ચાલી રહી છે. જેના ભાગરૂપે ભરૂચ ઉદ્યોગનગર ભોળાવમાં શુક્રવારે શટડાઉન લઈ સમારકામ કરવામાં આવી રહ્યું હતું. લાઈનમેન, હેલ્પરો સહિતનો વીજ સ્ટાફ ટ્રાન્સફોર્મર ઉપર ચઢી મેઇન્ટેન્સ કરી રહ્યો હતો ત્યારે અચાનક બંધ વીજ લાઈન ઉપર ચઢેલા લાઈનમેન પ્રદીપ બારીયાને કરંટ લાગતા અફરાતફરી મચી હતી.લાઈનમેન ને બચાવવા હેલ્પર સરફરાજ પટેલ થાંભલા ઉપર ચઢવા જતા તે પણ પટકાઈ ઇજાગ્રસ્ત થયો હતો. સથી સ્ટાફ નરેન્દ્ર પંચાલ, હરીશ વસાવા, ઈકબલભાઈ અને ભરતભાઈએ તુરંત જ સમય સુચકતા વાપરી લાકડાના ૨ બામ્બુ વડે ડીપી ઉપરથી લાઈનમેનને ઉતારવા રેસ્ક્યુ હાથ ધર્યું હતું. લાઈનમેન અને હેલ્પરને બચાવી લઈ તુરંત સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં બન્નેની તબિયત સ્વસ્થ હોવા સાથે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.