24, જુન 2020
આણંદ, તા.૨૩
આણંદ જિલ્લાના વાસદ-બોરસદ સ્ટેટ હાઇવે પર આવેલાં આંકલાવ તાલુકાના કંથારીયા ગામની સીમમાં મંગળવારના રોજ સવારના સુમારે પૂરપાટ ઝડપે જતી બે કારો સામ સામે ધડાકાભેર અથડાતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વડોદરા જિલ્લાના શેરખી ગામના એક પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે કરુણ મોત થયાં હતાં, જ્યારે બંને કારમાં સવાર સાત જેટલી વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. મૃતક વ્યક્તિઓમાં માતા-પિતા અને પુત્રનો સમાવેશ થાય છે. અકસ્માતમાં ઘાયલ તમામ વ્યક્તિઓને સારવાર માટે તાત્કાલિક વાસદ અને ત્યારબાદ વડોદરા ખાતેની હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. આ બનાવ અંગે આંકલાવ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં ઘવાયેલી વ્યક્તિઓ પૈકી કેટલીક વ્યક્તિની હાલત અત્યંત નાજુક હોવાના પણ અહેવાલ મળ્યાં છે.
અકસ્માતના બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યાં મુજબ, વડોદરા જિલ્લાના નાની શેરખી ગામે રહેતા હિતેશભાઈ હર્ષદભાઈ પંડ્યા (ઉ.૪૨)ના કપડવંજ ખાતે રહેતાં સંબંધીને ત્યાં શ્રીમંતનો પ્રસંગ હતો. તેઓ અલ્ટો કારમાં પત્ની જયશ્રીબેન (ઉ. ૩૬), પુત્ર વિવેક (ઉ.૧૪), પુત્રી કૃપા (ઉ. ૧૭) તેમજ રિદ્ધિ અરૂભાઈ ભટ્ટ (ઉ. ૧૮) અને વિધિ પરેશભાઈ ઉપાધ્યાય (ઉ.૧૮)ને લઈને કપડવંજ જવા નીકળ્યાં હતાં. આસોદર ચોકડી વટાવીને તેઓ વાસદ તરફ જઈ રહ્યાં હતા ત્યારે સવારે ૮ઃ૩૦ કલાકના સુમારે આંકલાવ તાલુકાના કંથારીયા ગામે આવેલી નાની નહેર પાસે વાસદ તરફથી પૂરપાટ ઝડપે આવી ચઢેલી Âસ્વફ્ટ કારની સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, બંને કારોનો ડૂચ્ચો બોલી ગયો હતો. આ અકસ્માતમાં અલ્ટો કારના ચાલક હિતેશભાઈ હર્ષદભાઈ પંડ્યા, તેમનાં પત્ની જયશ્રીબેન અને પુત્ર વિવેકને માથામાં ગંભીર ઈજાઓ થતાં તેમનાં સ્થળ પર જ કરુણ મોત થયાં હતાં, જ્યારે રિદ્ધિ, કૃપા અને વિધિને ગંભીર ઈજાઓ થઈ હતી. બીજી તરફ Âસ્વફ્ટ કારમાં સવાર ત્રણથી ચાર જેટલી વ્યક્તિઓને પણ ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ બોરસદ અને કિંખલોડની ૧૦૮ મોબાઇલ વેન તેમજ પોલીસને થતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. ઘવાયેલાં તમામને સારવાર માટે વડોદરાની સયાજી હોÂસ્પટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં કેટલાંકની હાલત નાજુક હોવાનું કહેવાઈ રહ્યું છે. અકસ્માતમાં નાની શેરખી ગામના માતા-પિતા અને પુત્રનાં મોત થતાં જ ગામમાં ઘેરાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે, જ્યારે કપડવંજમાં પણ અકસ્માતની જાણ થતાં શ્રીમંતનો પ્રસંગ શોકમાં બદલાઈ ગયો હતો. આ બનાવ અંગે આંકલાવ પોલીસે સ્વિફ્ટ ગાડીના ડ્રાઇવર અનવર હુસેન મહંમદહુસેન જરગાલ (રહે, ગોધરા )ની ફરિયાદના આધારે અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.