મહેસાણા,તા.૨૭ 

બૂટલેગરો હવે પોલીસથી બચવા દારૂની ખેપમાં દૂધના ટેન્કરનો ઉપયોગ કરી રહ્યા છે. બૂટલેગરોની આવી જ તરકીબનો મહેસાણા એલસીબીએ પર્દાફાશ કરી રૂ.૮.૭૭ લાખનો દારૂ જપ્ત કર્યો છે. પોલીસે ઊંઝા હાઇવે પર ટેન્કર અટકાવી ઉપરનું ઢાંકણું ખોલ્યું તો છલોછલ દૂધ દેખાયું, પરંતુ ટેન્કરના પાછળનો વાલ્વ ખોલ્યો તો અંદર દારૂ હોવાનું ખુલ્યું હતું.હરિયાણાથી દૂધના ટેન્કરમાં દારૂ ભરી અમદાવાદ તરફ જઇ રહ્યાની મહેસાણા એલસીબીને બાતમી મળતાં શનિવારે રાત્રે પીઆઇ બી.એસ. રાઠોડ, પીએસઆઇ વાય.કે. ઝાલા સહિતની ટીમે ઊંઝા હાઇવે સર્કલ પર વોચ ગોઠવી હતી. પાલનપુર તરફથી આવતા ટેન્કરને ઊભું રાખવા ઇશારો કરવા છતાં નહીં ઊભું રાખતાં પોલીસે પીછો કરી પેટ્રોલપંપ પાસે આંતર્યું હતું. ડ્રાઇવરને પૂછતાં તેણે દૂધ ભર્યાનું જણાવ્યું હતું. પરંતુ પોલીસે ટેન્કર ઉપર ચડી તેનું ઢાંકણું ખોલતાં છલોછલ દૂધ ભરેલું જણાયું હતું. દરમિયાન પોલીસે વાલ્વ ખોલતાં દૂધ નીકળ્યું હતું. ટેન્કરના ચાલક પાસેથી ચાવી લઇ મોબાઇલ ટોર્ચના અજવાળે ખોલી અંદર જોતાં વિવિધ માર્કાની ૨૫૦ પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.૮,૭૭,૬૬૦નો દારૂ, ૧૦ લાખનું ટેન્કર, બે મોબાઇલ મળી કુલ રૂ.૧૮,૮૭,૬૬૦ના મુદ્દામાલ સાથે રાજસ્થાનના ઝાલોર જિલ્લાના ચીતલવાણા સિયકોની ધાણીના રહેવાસી રમેશ મલરામ બિશ્નોઈ અને અનિલ બિશ્નોઇની અટકાયત કરી ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી કરાઇ હતી.