દાહોદના કાળી તળાઈ પાસે ટ્રક-ટ્રેકટર વચ્ચે અકસ્માત બે વ્યકિત ઈજાગ્રસ્ત
22, માર્ચ 2021

દાહોદ

દાહોદ પાસે કાળી તળાઇ પાસે એક ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં બે વ્યક્તિને ઇજા પહોંચી હતી.આ વિસ્તારમાં છાશવારે નાના મોટા અકસ્માત વર્ષોથી સર્જાય છે.જેથી આ વિસ્તારમાં અકસ્માત ઝોનનુ બોર્ડ લગાવીને તેને અકસ્માત ઝોન જાહેર કરવો જરુરી છે.અથવા તો અકસ્માત ન થાય તેવો કોઇ ઉપાય કરવો પણ એટલો જ આવશ્યક છે. દાહોદ શહેર પાસેથી પસાર થતો ઈન્દોર-અમદાવાદ હાઇવે ૨૪ કલાક ટ્રાફીકથી ધમધમતો જ રહે છે.ભારેથી આતિભારે વાહનોની અવર જવર થતી જ રહે છે.બીજી તરફ દાહેદ શહેરની પાસેથી પસાર થતા આ હાઇવે પર માર્ગ અકસ્માત વધારે થાય છે.જેમાં રાબડાળ પાસે તેમજ કાળી તળાઇ વિસ્તારમાં તો આંતરે તીસરે દિવસે અકસ્માત સર્જાય છે.આ વિસ્તારોમાં સર્જાયેલા અકસ્માતોમાં કેટલાયે લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. રાબડાળ પાસે બે દિવસ પહેલા જ અજાણ્યા વાહનની ટક્કરે એક વયોવૃધ્ધ નાગરિકનુ મોત નીપજ્યુ હતુ.તેવી જ રીતે કાળી તળાઇ પાસે રવિવારે વહેલી સવારે ફરીથી એક અકસ્માત સર્જાયો હતો.જેમાં દાભડાથી લાકડા ભરીને દાહોદ તરફ આવતાં ટ્રેક્ટરને એક ટ્રક ચાલકે પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી.જેથી સર્જાયેલા અકસ્માતમાં બે વ્યકિતઓને ઇજા થઇ હતી .જેમને તાત્કાલિક દવાખાને ખસેડવામાં આવ્યા છે. કાળી તળાઇ વિસ્તારમાં પહેલાં હાઇવે રોબરી વધારે પ્રમાણમાં થતી હોવાથી અહીં પોલીસ ચોકી પણ શરુ કરવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution