11, જુલાઈ 2025
ગોંડલ |
2079 |
કર્મચારીઓ ફીડરમાં કામ કરી રહ્યા હતા દરમિયાન કરંટ લાગ્યો
ગોંડલની સબ જેલ સામે પીજીવીસીએલના કર્મચારી ફીડરમાં કામ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક કરંટ લાગતાં બે કર્મચારીઓના મોતા નીપજ્યા છે. બંને યુવા કર્મચારીઓના મોતથી શોકનો માહોલ છવાયો છે. જ્યારે પીજીવીસીએલ સામે કર્મચારીઓની સુરક્ષાને લઇને સવાલો ઉભા થયા છે.
મળતી વિગતો મુજબ પીજીવીસીએલ દ્વારા છેલ્લા ચાર દિવસથી શ્રીહરિ ફીડરમાં રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું. આ કામમાં 25 જેટલા કર્મચારીઓ જોડાયેલા હતા. ત્યારે અચાનક વીજ પ્રવાહ ચાલુ થઇ જતાં ભગવાનસિંગ રામલાલ ભીલ (ઉ.વ.22) અને સુરજકુમાર બનેસિંગ ભીલ (ઉ.વ.20)ને કરંટ લાગવાથી મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં બે યુવા કર્મચારીઓના મોત નિપજ્યાં હતા. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે. તો બીજી તરફ વીજ કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓની સુરક્ષાને લઇને ગંભીર સવાલો ઉભા થયા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.