મુકેશ અંબાણીએ ખરીદેલા લાખોની કિંમતના બે દુર્લભ ઓલિવ વૃક્ષો જામનગરના બંગલોમાં મુકવામાં આવશે
28, નવેમ્બર 2021

જામનગર, દેશના સૌથી અમીર શખ્સ મુકેશ અંબાણીની કોઈ પણ વાત સામાન્ય હોય નથી. તેઓ જે પણ વસ્તુ ખરીદે છે તે ખાસ હોય છે. મુંબઈના એન્ટીલિયા હાઉસ બાદ હવે તેમનુ જામનગરનું અંબાણી હાઉસ પણ ખાસ બનવા જઈ રહ્યું છે. કારણ કે, અહી સ્પેનથી મંગાવેલા લાખોની કિંમતના બે મોટા વૃક્ષ મૂકાવા જઈ રહ્યાં છે. જેની ગણના વિશ્વના દુર્લભ વૃક્ષોમાં થાય છે. મુકેશ અંબાણીના જામનગરના બંગલામાં જલ્દી જ દુર્લભ ઓલિવના વૃક્ષો લાગવા જઈ રહ્યાં છે, જેમને આંધ્રપ્રદેશની એક નર્સરીમાં ઉછેરવામાં આવ્યા હતા. ૧૮૦ વર્ષ જૂના ઓલિવના વૃક્ષને લગભગ ત્રણ વર્ષ પહેલા સ્પેનથી લાવવામાં આવ્યા હતા, જે આંધ્રપ્રદેશની ગૌતમી નર્સરીમાં ઉછી રહ્યા હતા. બે દિવસ પહેલા ૨૪ નવેમ્બરના રોજ બે ઓલિવ ટ્રીને ટ્રક પર લાદવામાં આવ્યા હતા અને ગુજરાત તરફ આવવા રવાના કરાયા હતા. પાંચ દિવસમાં આ બંને મહાકાય વૃક્ષો જામનગર પહોંચી જશે. જાેકે, ગૌતમી નર્સરીએ વૃક્ષોની કિંમત વિશે માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, અંબાણીએ બંને ઓલિવ વૃક્ષોના ટ્રાન્સપોર્ટેશન સહિત લગભગ ૮૫ લાખ રૂપિયા ખર્ચ કર્યો છે. આંધ્રપ્રદેશની ગૌતમી નર્સરીના માલિક માર્ગની વીરબાબૂએ કહ્યું કે, તેમને લગભગ એક સપ્તાહ પહેલા અંબાણી હાઉસમાંથી ઓર્ડર મળ્યો હતો. એક આર્કિટેક્ટને અમે અંબાણી હાઉસમાં મોકલ્યો હતો. તેના બાદ રિલાયન્સના કર્મચારીઓએ ગત સપ્તાહમાં ઓર્ડર આપ્યો હતો. અમને કહેવામાં આવ્યું કે, અંબાણીના જામનગર સ્થિત બંગલોમાં આ વૃક્ષોને મૂકવામાં આવશે. આ દુર્લભ વૃક્ષની વાત કરીએ તો, પ્રત્યેક વૃક્ષનું વજન લગભગ ૨ ટન છે. તેના મૂળને કાળજીપૂર્વક ધરતી સાથે બાંધવામાં આવે છે. બાદમાં તેને ઢાંકીને ટ્રાન્સપોર્ટેશન માટે મોકલાય છે. વૃક્ષને ટ્રક પર લોડ કરવા માટે ૨૫ લોકોની ટીમ કામે લાગી હતી. હાઈડ્રોલિક ક્રેનની મદદથી વૃક્ષોને ટ્રકમાં લોડ કરવામાં આવ્યા હતા. આ વૃક્ષ નાજુક પ્રકૃતિના હોવાથી તેમને લઈ જતુ વાહન ૩૦ થી ૪૦ કિમી પ્રતિ કલાકની સ્પીડથી પસાર થાય છે. આ કારણે તેને જામનગર પહોંચતા ૫ દિવસ લાગશે. વીરબાબુએ જણાવ્યું કે, અંબાણી પરિવાર જામનગરમાં એક ઝૂ બનાવી રહ્યું છે. અહી ઈકો સિસ્ટમ ડેવલપ કરવામા આવશે.
© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution