વડોદરા

સમા વિસ્તારમાં રહેતા સોની પરિવાર પાસેથી વાસ્તુદોષની વિધિ કરવાના બહાને સમયાંતરે ૩૨ લાખથી વધુ નાણાં પડાવી લેનાર ટોળકી પૈકીના બે રાજસ્થાની જ્યોતિષોને સમા પોલીસે આજે કોર્ટમાં રજુ કર્યા હતા જયાં બંનેને સાત દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ થયો હતો.

શહેરના સમા સ્પોર્ટસ્‌ કોમ્પ્લેક્સ સામે આવેલી સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારને વાસ્તુદોષ નિવારણના બહારને રાજસ્થાન અને અમદાવાદના જ્યોતિષો-તાંત્રિકોની ટોળકીએ વિવિધ બહાના બતાવી તેમજ મકાનમાં તાંત્રિક વિધિઓ કરીને સમયાંતરે ૩૨ લાખ જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. જાેકે તેમ છતાં સમસ્યાનું નિવારણ નહી થતાં આર્થિકભીંસમાં આવી ગયેલા સોની પરિવારના છ સભ્યોએ સામુહિક વિષપાન કર્યું હતું જેમાં ઘરના મોભી સહિત પાંચ સભ્યોના મોત નીપજ્યા છે જયારે એક માત્ર પુત્રવધુ હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ બનાવની સોની પરિવારના પુત્રએ મૃત્યુ અગાઉ આપેલા નિવેદનના આધારે સમા પોલીસે ૯ જ્યોતિષો સામે ગુનો નોંધી તપાસનો દોર રાજસ્થાનમાં લંબાવ્યો હતો અને આ પૈકીના રાજસ્થાનના નાગરા તાલુકાના ખીનચર ગામમાં રહેતા ગજેન્દ્ર ભાર્ગવ અને કુચેરા ગામમાં સાહિલ વ્હોરા ઉર્ફે સીતારામ ભાર્ગવને ઝડપી પાડ્યા હતા. આ બંનેના કોરોના ટેસ્ટના રિપોર્ટ નેગેટિવ આવતા પોલીસે બંનેની સત્તાવાર ધરપકડ બાદ આજે બંનેને કોર્ટમાં રજુ કર્યા હતા. આ બનાવમાં હજુ પણ ઠગ જ્યોતિષ ટોળકીના ૭ની ધરપકડ તેમજ સોની પરિવાર પાસેથી પડાવેલા રોકડા નાણાં અને વિધિ દરમિયાન કાઢેલા સિક્કા અને કળશ સહિતની ચીજાે કબજે કરવાની બાકી હોઈ તેમજ તપાસ માટે રાજસ્થાન, અમદાવાદ જવાની જરૂર હોઈ કોર્ટે બંને ઠગ જ્યોતિષોને સાત દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો હતો.