દિલ્હી-

સંયુક્ત અરબ અમીરાતમાં રહેતો ભારતીય નાગરિક બે દાયકા પછી ઘરે પાછો ફરી શકશે. સમય કરતા વધુ સમય રહેવા માટે તેના પર લગભગ 1.5 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પરંતુ તે માફ કરી દેવાયો છે. મીડિયા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. તાનાવેલ મથિયાઝાંગન (56)ને 2000ની સાલમાં એક એજન્ટે નોકરી અપાવાના વચન સાથે યુએઈ મોકલવામાં આવ્યો હતો.

‘ગલ્ફ ન્યૂઝ’ના સમાચારો અનુસાર એજન્ટ પાસે જ માથિયાઝાંગનનો પાસપોર્ટ હતો અને તે એજન્ટ થોડા દિવસ બાદ ગુમ થઇ ગયો હતો. ત્યારબાદ તેને ભારતમાં પોતાના પરિવારના ભરણપોષણ માટે યુએઇમાં ગેરકાયદેસર રહેવું પડ્યું અને તેને અંશકાલિક નોકરીઓ કરવી પડી. મળતી માહિતી પ્રમાણે તમિલનાડુના રહેવાસી વ્યક્તિએ કોવિડ-19 મહામારી દરમ્યાન ઘરે પાછા ફરવા માટે બે સામાજિક કાર્યકરોની મદદ માંગી. તેમની પાસે દસ્તાવેજના નામ પર તેમના રોજગાર વીઝા પ્રવેશ પરમિટ અને પાસપોર્ટના છેલ્લા પાનાની એક નકલ હતી.

અબુધાબીમાં ભારતીય દૂતાવાસ દ્વારા મથિયાઝાંગનને એક ઇમરજન્સી સર્ટિફિકેટ અપાવવામાં મદદ કરનાર એકે મહાદેવન અને ચંદ્ર પ્રકાશે જણાવ્યું કે તે આ મહામારી દરમ્યાન ભારતથી ઓળખ મંજૂરી પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો હતો કારણ કે પાસપોર્ટમાં નોંધાયેલ પિતાનું નામ અને સ્વદેશમાં દસ્તાવેજાેમાં નામમાં અસમાનતા હતી. ઇમરજન્સી સર્ટિફિકેટ એવા ભારતીયો માટે રજૂ કરવામાં આવે છે જેમની પાસે માન્ય પાસપોર્ટ હોતો નથી. આ પ્રમાણપત્ર દ્વારા તેઓ ઘરે પરત ફરી શકે છે. સમાચારમાં એવું કહેવામાં આવ્યું હતું કે મહાદેવન અને પ્રકાશે મથિયાઝાંગનની ભૂલ સુધારવા માટે ગામમાં સ્થાનિક વિભાગો સાથે સંપર્ક કર્યો.