વડોદરા

વડોદરા મહાનગર પાલિકાના શાસકોએ પાલિકા દ્વારા ફાળવવામાં આવેલ કારોનો અંગત કામો અને મુલાકાતોને માટે બેફામ ઉપયોગ કર્યાની ચોંકાવનારી હકીકતો આરટીઆઈ એક્ટિવિસ્ટ અતુલ ગામેચીએ માગેલી માહિતીમાં પ્રકાશમાં આવી છે. પાલિકામાં એકબીજા સામે બાપે માર્યા વેરની માફક ઝઘડતા રહેતા સત્તાધારી પક્ષ અને વિપક્ષના નેતાઓ આ બાબતે તેરી ભી ચૂપ અને મેરી ભી ચુપની જેમ વર્તીને પ્રજાની આંખમાં ધૂળ નાખતા હોવાનું બહાર આવવા પામ્યું છે. જો કે સત્તાધીશો દ્વારા કારોના બેફામ દુરુપયોગની વાત પ્રકાશમાં આવતા એમના ચહેરા પરથી નૂર ઉડી ગયું હતું. તેમજ આ બાબતે ગલ્લા તલ્લાં કરતા જોવા મળ્યા હતા. તેટલું જ નહિ મોટાભાગના નેતાઓએ પક્ષના અંગત કામ માટે જઈને એને ગાંધીનગરની પાલિકા માટેની કામગીરી માટે ગયાનું જણાવીને પક્ષની કમલમ ખાતેની મુલાકાત પર ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ કારના બેફામ દુરૂપયોગમાં પાલિકાના મેયર ડો.જિગીષાબેન શેઠ, ડેપ્યુટી મેયર ડો. જીવરાજ ચૌહાણ, સ્થાયી સમિતિના અધ્યક્ષ સતિષ પટેલ અને સદાય શાસક પક્ષને કામોની બાબતમાં ભાંડયા કરતા વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ ઉર્ફે ભથ્થુનો સમાવેશ થાય છે. આમ શાસક અને વિપક્ષ વચ્ચે ફાળવવામાં આવેલ કારોના બેફામ દુરુપયોગ બાબતે ગંભીર આક્ષેપો થતા પાલિકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઉપરાંત શાસક પક્ષ ભાજપના નેતા કેતન બ્રહ્મભટ્ટ અને દંડક અલ્પેશ લીંબાચિયાને પણ પાલિકા દ્વારા હોદ્દાની રૂએ કાર આપવામાં આવી છે. જેના પણ વ્યાપક દુરુપયોગની આશંકા સેવાઈ રહી છે. આમ પાલિકામાં શાસક -વિપક્ષ દ્વારા કારોના બેફામ દુરુપયોગનું એકબીજાની મિલી ભગતથી કૌભાંડ આચરવામાં આવ્યું છે. જેમાં જીપીએમસી એક્ટનો ખુલ્લેઆમ ભંગ થયાનું બહાર આવ્યું છે. પ્રજાના વેરાના નાણાંના આવા બેફામ દુરુપયોગ સામે આક્રોશ વ્યક્ત કરાઈ રહ્યો છે.