વડોદરા,તા.૨૫  

વડોદરા મહાનગર પાલિકાના શાસકો દ્વારા પાંચ વર્ષના શાસન દરમ્યાન પાણીની માફક પાણીની લાઈનોને માટે કરેલા ખર્ચાઓ પાણીમાં જ વહી ગયા હોય એમ રોજે રોજ કોઈને કોઈ પાણીની લાઈનમાં એક યા બીજા કારણસર ભંગાણને લઈને કે લીકેજને કારણે મોટા પ્રમાણમાં પાણી વહી જતા જળબમ્બાકાર જેવી સ્થિતિ માર્ગો પર જાેવા મળે છે. આવીજ વધુ બે ઘટનાઓ શહેરમાં બનવા પામી છે. જેમાં આજવા રોડ પર ચાર દિવસથી પાણીની લાઈનમાં ભંગાણને લઈને પાણીનો બેફામ વેડફાટ થાય છે. આ ઉપરાંત ઇસ્કોન પાસે પણ આજ પ્રમાણે ભંગાણ સર્જાતા પાનીઓ વેડફાટ થયો છે. સોમવારે આજવા રોડ પર પાણીની લાઇનમાં લિકેજ થયાનું સામે આવ્યું હતું. પાંચ વર્ષમાં શાશક પક્ષ દ્વારા કરવામાં આવેલી નબળી કામગીરીનો પુરાવો સામે આવ્યો છે. આજવા રોડ પર આવેલા દત્ત નગરમાં છેલ્લા ચાર દિવસથી પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે. જેને કારણે હજારો લિટર પાણી વેડફાઇ રહ્યું છે. એક તરફ શાશક પક્ષ દ્વારા લોકહિતમાં કાર્યો કરવામાં આવ્યાના દાવાઓ કરવામાં આવે છે. પરંતુ દાવાઓ પોકળ સાબિત કરે તેવી હકીકતો સામે આવી રહી છે.