07, માર્ચ 2021
વડોદરા : વડોદરા શહેરમાં પાલિકાની પાણીની લાઈનોમાં ભંગાણ થવાનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. આજે વધુ એક પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા પાણીનો બેફામ વેડફાટ થવા પામ્યો છે.શહેરમના જેલ રોડ પર નર્મદા ભવન પાસેના સર્વિસ રોડ પરથી પસાર થતી લાઈનમાં ભંગાણને લઈને છેક સયાજી હોસ્પિટલના દરવાજા સુધી અને એની અંદર પાણીની રેલમછેલ સર્જાવા પામી હતી.જેને લઈને જાણે કે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ માર્ગ પર જાેવા મળ્યો હતો.
સદ્ભાગ્યે આજે રાજાનો દિવસ હોઈ કોઈ અકસ્માતની ઘટના આને લઈને બનવા પામી નથી. વડોદરા શહેરને સ્માર્ટ સીટી બનાવવાની વાત કરનાર શાસકો દ્વારા કરવામાં આવતા સ્માર્ટ ભ્રષ્ટાચારને લઈને આવી સ્થિતિ સર્જાતી હોવાનું આમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે. પાલિકાના ઇજારદારો,અમલદારો અને શાસકોની ત્રિપુટીની મીલીભગતને લઈને વિવિધ કામો અને પ્રોજેક્ટોમાં કરાતી નબળી કામગીરીને લઈને વારંવાર આવી ઘટનાઓ બનવા પામતી હોવાના આક્ષેપો વિપક્ષ દ્વારા ભૂતકાળમાં કરવામાં આવ્યા હતા.
જે આવી ઘટનાઓમાં પ્રતિપાદિત થઇ રહ્યું છે. આ ઘટનામાં જેલ ટાંકીની સામે સર્વિસ રોડ નર્મદા ભવન નજીક છની પીવાના પાણીની લાઈન લીકેજ થવાના કારણે અનેક ગેલન પીવાનું પાણી એસએસજી હોસ્પિટલ થઈ કાલાઘોડા પહોંચ્યું હતું.જે પૈકી કેટલું ય પીવાનું પાણી ગટરમાં વહી ગયું હતું. સ્માર્ટ સીટીના સ્માર્ટ અધિકારીઓ માત્ર વાતોના વડા કરે છે. તેઓ વડોદરા શહેરની જનતાને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગયા છે. ત્યારે વડોદરા શહેરની જનતા વેરો ભરે છે તેનું વળતર આપવાની માંગ સામાજિક કાર્યકર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ અતુલ ગામેચીએ માગ કરી છે