17, જાન્યુઆરી 2023
રાજકોટ,તા.૧૭
આજથી ૮ મહિના પૂર્વે ગુજરાત સરકારે અનઅધિકૃત બાંધકામ દૂર કરવાનો, તોડી પાડવાનો સ્થગિત કર્યો હતો. ત્યારે હવે ચૂંટણી પૂર્ણ તથા દરેક ર્નિણય પરથી પ્રતિબંધ હટી ગયા હોય તેમ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જ્યાં મનપા દ્વારા રાજકોટમાં દર મંગળવારે ‘વન વીક, વન રોડ’ ઝુંબેશ શરુ કરવામાં આવી છે. જે અંતર્ગત શહેરના રાજમાર્ગો પર અડચણરૂપ છાપરા અને ઓટલાઓ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યાં આજે શહેરના આકાશવાણી ચોક થી કાલાવડ રોડ તરફ થયેલા દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું હતું. જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અનેક દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ૮ માસ પહેલા રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં હાઉસિંગ બોર્ડની વસાહતમાં વસાહતીઓ દ્વારા કરવામાં આવેલા વધારાના ગેરકાયદે બાંધકામો તોડી પાડવા અંગે હાઉસિંગ બોર્ડ દ્વારા જાહેર સૂચના આપ્યા બાદ બાંધકામ તોડી પાડવાની ઝૂંબેશ માટેની કવાયત હાથ ધરી હતી પરંતુ ચૂંટણી ટાણે હજારો નાગરિકોના મકાન પર બુલડોઝર ફેરવવાના આ ર્નિણય સામે દિલ્હી સુધી ફરિયાદો પહોંચતા આખરે હાઉસિંગ બોર્ડને આ ર્નિણય સ્થગિત કરવાની ફરજ પડી હતી. આ અંગે રાજકોટ મનપાના ટાઉન પ્લાનરના જણાવ્યાનુસાર મહાનગરપાલિકા દ્વારા આજથી વન ડે વનવોર્ડ અંતર્ગત ડીમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.