વડોદરા, તા. ૧૯ 

મ.સ.યુનિવર્સીટીની વિવિધ ફેકલ્ટીઓ અને કેમ્પસમાં સીસીટીવી ઈન્સ્ટોલેશનની કામગીરી કરવાની હોવાથી તેના માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં એક ચાઈનીઝ કંપનીના પ્રોડક્ટનો પણ સમાવેશ થતો હતો. જોકે, તાજેતરમાં જ ભારતીય અને ચીની સૈન્ય વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ ચીનનાં ઉત્પાદનો અને કંપનીઓને બોયકોટ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા હોવાથી આ અંગે શું કરવું? તે માટે યુનિવર્સીટી સત્તાધીશોએ રાજ્ય સરકાર પાસે અભિપ્રાય માંગ્યો છે.

યુનિવર્સીટીની વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે યુનિવર્સીટીની વિવિધ ફેકલ્ટીઓમાં તેમજ કેમ્પસમાં ૪ કરોડના ખર્ચે કુલ ૪૭૦૮ કેમેરાઓ સીસીટીવી કેમેરાઓ લગાવવા માટે ૪ દિવસ અગાઉ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આ ટેન્ડરમાં કેટલાક કેમેરાઓનાં સ્પેસિફિકેશનમાં ‘હિક-વિઝન’નામની એક ચાઈનીઝ કંપનીના કેમેરાઓ પણ શામેલ હતા. તાજેતરમાં જ ગાલવાન ઘાટી ખાતે ભારતીય અને ચીની સૈન્યબળો વચ્ચે સર્જાયેલી હિંસક અથડામણ બાદ સમગ્ર દેશમાં ચાઈનીઝ ઉત્પાદનો અને કંપનીઓને બોયકોટ કરવાની માંગ ઉઠી છે. એવામાં મ.સ.યુનિવર્સીટી દ્વારા પણ આ અંગે પહેલ કરીને ચીની કંપની ‘હિક-વિઝન’ના કેમેરાઓની જગ્યાએ અન્ય કોઈ કેમેરા લગાવવામાં આવે તેવી માંગ ઉભી થઇ છે. જેને કારણે યુનિવર્સીટી સત્તાધીશો દ્વારા આ મુદ્દે રાજ્ય સરકારનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે.