અમદાવાદ-

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ આવી રહ્યા છે. તેઓ મોડી રાત સુધીમાં અમદાવાદ એરપોર્ટ પર આવી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમિત શાહ ૨૪ એપ્રિલે નવી કોવિડ હોસ્પિટલનું ઉદઘાટન કરશે, સાથે જ રાજ્યમાં ચાલી રહેલી કોરોના મહામારીની પરિસ્થિતિની સમીક્ષા પણ કરશે તેમજ આરોગ્ય વિભાગ સાથે બેઠક પણ કરી શકે છે.

કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને દર્દીઓને સારામાં સારી સારવાર આપવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત સરકારે ભારત સરકારના ગૃહ મંત્રાલયના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં ૯૦૦ બેડની સંપૂર્ણ સુવિધાસજ્જ ડેડિકેટેડ કોવિડ કેર હોસ્પિટલ ઊભી કરવાની અભૂતપૂર્વ પહેલ કરી છે. રાજ્ય સરકારની વિનંતી પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય આ ૯૦૦ બેડની કોવિડ હોસ્પિટલમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસમાંથી ૨૫ ડોક્ટર્સ તથા ૭૫ પેરામેડિક્સનો સ્ટાફ નિયુક્ત કરશે.

અમદાવાદમાં હવે કોમ્યુનિટી હોલમાં પણ કોવિડ કેસ સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યા છે. નારણપુરા વિસ્તારમાં આવેલા ડી.કે. પટેલ હોલમાં ઓક્સિજન બેડ સાથે ૭૦ જેટલાં બેડ સાથે કોવિડ કેર સેન્ટર ઊભું કરવામાં રહ્યું છે. વારે કોવિડ કેર સેન્ટર માટે ઓક્સિજન અને બેડ લગાવવામાં આવી રહ્યાં છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ૨૪મી એપ્રિલના રોજ આ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે. નોંધનીય છે કે અમિત શાહ દ્વારા આ કોવિડ કેર સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવી શકે છે.

અમદાવાદમાં ૧૩૨ ફૂટ રિંગ રોડ પર આવેલા ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં ૯૦૦ બેડની ડેડિકેટેડ કોવિડ કેર હોસ્પિટલમાં ૧૫૦ આઇ.સી.યુ. બેડ હશે, જ્યાં ૧૫૦ વેન્ટિલેટર્સની વ્યવસ્થા પણ હશે. તમામેતમામ ૯૦૦ બેડ ઓક્સિજનની સુવિધા સાથેનાં હશે. જાે જરૂર પડે તો વધુ ૫૦૦ પથારી વધારી શકાય એવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ હોસ્પિટલમાં પોર્ટેબલ એક્સ-રે મશીનની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. કોરોનાના દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહે એવું તમામ આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ હોસ્પિટલના સંચાલન અને વહીવટ માટે ઉપયોગી સૂચનો કર્યા હતા. ગુજરાતમાં કોરોનાના દર્દીઓને સારામાં સારી સારવાર આપી શકાય એ માટે વ્યવસ્થાઓ વધારવામાં મદદરૂપ થવા ગુજરાત સરકારે ભારત સરકારને વિનંતી કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ અભૂતપૂર્વ પહેલને સાકાર કરવામાં મદદ કરી છે. મુખ્ય મંત્રીએ આ માટે કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે.