કેન્દ્રશાસિત પ્રદેશ દમણ: નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો
11, નવેમ્બર 2020

દમણ-

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નગરપાલિકાના 15 વોર્ડમાંથી 11 વોર્ડ પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપના ઉમેદવાર વિજેતા બનતા દમણ ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી વિજયની ઉજવણી કરવામાં આવી હતી. તા. 8 નવેમ્બરના રોજ દમણમાં નગરપાલિકાના મતદાન બાદ બુધવારે મત ગણતરી યોજાઈ હતી. જેમાં નગરપાલિકાની 15 સીટમાંથી 3 સીટ પર ભાજપ બિનહરીફ જાહેર થયા બાદ 12 વોર્ડ માટેની મત ગણતરીમાંથી 8 વોર્ડના ભાજપ ઉમેદવારો વિજેતા બન્યા હતા.  દમણ ભાજપે કુલ 11 સીટ પર કબ્જો જમાવતા દમણ નગરપાલિકા ભાજપના ફાળે ગઈ છે. વિજેતા ઉમેદવારોએ ભાજપ કાર્યાલય ખાતે દમણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કાર્યકરોએ ફટાકડા ફોડી વિજ્યોત્સવ મનાવ્યો હતો.

દમણ નગરપાલિકામાં વિજેતા ઉમેદવારોની યાદી પર નજર કરીએ તો કુલ 15 વોર્ડમાંથી વોર્ડ નંબર 1, 12 અને 15 મહિલા સીટ ભાજપ તરફી બિનહરીફ બની હતી. જે બાદ વોર્ડ નંબર 2માં અપક્ષ ઉમેદવાર પ્રમોદ રાણા, વોર્ડ નંબર 3માં ફિરદૌસ બાનું(કોંગ્રેસ), વોર્ડ નંબર 4માં અપક્ષ અશરાર અલીરજા માતર, વોર્ડ નંબર 5માં ભાજપના રશ્મિકાબેન હળપતિ, વોર્ડ નંબર 6માં ચંડોક જશવિંદર કૌર, વોર્ડ નંબર 7માં અસ્પી દમણિયા, વોર્ડ નંબર 8માં ચંદ્રગીરી ઈશ્વર, વોર્ડ નંબર 9માં આશિષ ટંડેલ, વોર્ડ નંબર 10માં મુકેશ પટેલ વિજેતા બન્યા હતાં. એ સાથે વોર્ડ નંબર 5થી 10 વોર્ડમાં ભાજપે કબ્જો મેળવ્યો હતો. વોર્ડ નંબર 11માં અપક્ષ ઉમેદવાર નયનાબેન ટંડેલ વિજેતા બન્યા હતાં. તો, વોર્ડ નંબર 13માં ભાજપના વિનય પટેલ અને વોર્ડ નંબર 14માં સોહીનાબેન રજનીકાંત પટેલ વિજેતા બન્યા હતાં.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution