23, જુલાઈ 2021
સુરત-
એક પ્રેમી પોતાની પ્રેમિકા માટે શું કરી શકે અને કેટલી હદે જઇ શકે તેને દર્શાવતી એક ચોંકાવનારી ઘટના સુરત શહેરમાં બની હતી. વેસુમાં ગત રોજ બનેલી કારની લુંટમાં ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે. કોલેજીયન યુવકે પ્રેમિકાને કાનપુર ભગાડી જવા વેપારીના પિતાને એરગનથી ધમકાવી કારમાંથી બહાર ફેંકી દઈ કારની લૂંટ કરી નાસી ગયો હતો. ક્રાઈમ બ્રાંચ પોલીસે સીસીટીવી આધારે નવસારી ટોલનાકા પરથી યુવકને પ્રેમિકા સાથે ઝડપી લીધો હતો.
સુરતમાં ગત રોજ વેસુ વિસ્તારમાં બનેલી કાર લુંટની ઘટનામાં પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો. આ સમગ્ર લુંટની ઘટનામાં પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે. પ્રેમીએ પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાને ભગાડી જવા માટે આ કારની લુંટ ચલાવી હતી. ઘટના એમ હતી કે, વેસુ જાેલી રેસિડેન્સીમાં રહેતા વૃદ્ધ કપુરચંદ જૈનને બુધવારે સવારે સાડા અગિયાર વાગ્યાના અરસામાં વેસુ આગમ આર્કેડ પાસે તેમની કારમાં બેઠા હતા. પુત્ર કારમાં જ ચાવી મૂકી મેડિકલમાં તેમની માટે દવા લેવા ગયો હતો. તે વખતે એક લવરમૂછિયો યુવાન કારમાં ધસી આવ્યો હતો. પિસ્ટલ બતાવીને આ વૃદ્ધને ચાલુ વાહનમાંથી ઉતારી કાર લૂંટી લેવાની ઘટનાએ આ વિસ્તારમાં ભારે ચકચાર જગાવી હતી. ઘટનાને પગલે ઉમરા પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં દોડી ગઇ હતી. પોલીસ કમિશનર અજય તોમરે પોતે અંગત રસ લઇ પોલીસને દોડાવી હતી. આ કાર મુંબઇ તરફ ભાગી હોવાના ઇનપુટ વચ્ચે પોલીસની એક ટીમે આ કારનો પીછો શરૂ કર્યો હતો. તે સાથે જ નવસારી પોલીસને એલર્ટ કરી બોરીયાચ ટોલનાકા પાસે કારને આંતરી લેવામાં પોલીસ સફળ રહી હતી. આશ્ચર્યજનક રીતે આ કારમાં યુવાન સાથે ૧૮ વર્ષીય યુવતી પણ બેસેલી જાેવા મળી હતી. તપાસ કરતાં આ યુવતી કાર લૂટીને ભાગેલાં ૧૯ વર્ષીય કશ્યપ ભાવેશ ભેસાણીયાની પ્રેમિકા હોવાનું બહાર આવ્યું હતું. કશ્યપની ધરપકડ દરમિયાન બહાર આવેલી વિગતો પ્રમાણે, તે આ યુવતી સાથે ગળાડૂબ પ્રેમમાં હતો. બંનેએ તેમનાં માતા-પિતાને વાત કરી હતી, પરંતુ તેઓ તૈયાર નહિ થતાં ભાગીને પ્રેમલગ્ન કરવાનો ર્નિણય લીધો હતો. આ યુવાન પાસે વાહનના નામે માત્ર એક્ટિવા હોઇ કાર લૂટવાનો ઇરાદો બનાવ્યો હતો.