દિલ્હી, 

ચિંતાજનકઃ દેશમાં કોરોના ચેપનાં કેસો વધીને ૪,૭૩,૧૦૫ થયા

સમગ્ર દેશમાં અનલોક-૨ની તૈયારીઓ ચાલી રહી છે અને તેમાં વધુ છૂટછાટ આપવાની શકયતા વચ્ચે કોરોનારૂપી એક્સપ્રેસ થંભવાનું નામ ન લેતી હોય તેમ સતત વધતા કેસોમાં એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસનો એક નવો રેકોર્ડ નોંધાયા છે. આજે ગુરૂવારે સવારે જાહેર કરાયેલાં આંકડા પ્રમાણે, ભારતમાં ૧૭,૦૦૦ કરતા વધુ કેસ એક દિવસમાં નોંધાયા છે, પાછલા એક દિવસમાં નોંધાયેલા કેસનો રેકોર્ડ ૧૫,૬૮૯ હતો જેમાં વધુ ૧,૫૦૦ કેસ સાથે હવે નવો રેકોર્ડ નોંધાયો છે. તેની સાથે ગઇકાલે બુધવારે સતત બીજા દિવસે ૪૦૦થી વધારે એટલે કે ૪૨૨ લોકોના મોત પણ નોંધાયા છે. આ સાથે એક દિવસમાં નોંધાયેલા નવા કેસનો આંકડો ૧૭,૧૫૬ થયો છે.

ભારતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો વધીને ૪.૭૩ લાખ એટલે કે પોણા પાંચ લાખની નજીક પહોંચી થયો છે, ચાર દિવસ પહેલા દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૪ લાખ હતો. અને વાયરસના કારણે થયેલા કુલ મૃત્યુઆંક ૧૪,૮૯૬ થયો છે. દરમ્યાનમાં, મધ્યપ્રદેશમાં શિવરાજ સરકારે એક જૂલાઈથી રાજ્યમાં “કીલ કોરોના’ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે.

મહારાષ્ટમાં બીજા નંબરના સૌથી વધુ કેસ અને ૨૦૮ના મોત નોંધાયા છે. મહારાષ્ટમાં એક દિવસમાં નોંધાયેલા મોત ભારતમાં નોંધાયેલા કુલ આંકડાનો અડધાભાગ જેટલો થાય છે. દિલ્હીમાં વધુ ૬૪નાં મોત થયા, જ્યારે તામિલનાડુ ૩૩ અને ગુજરાતમાં ૨૫નાં મોત નોંધાયા છે. કર્ણાટકમાં મૃત્યુઆંકમાં ઉછાળો આવ્યો છે, અહીં વધુ ૧૪ના મોત નોંધાયા છે. ભારતમાં કોરોના વાયરસના કારણે થયેલા કુલ મૃત્યુઆંક ૧૪,૮૯૬ થયો છે. જા કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૫૭.૪૨ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૦૧૨ લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૨,૭૧,૬૯૭ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે છે.

મહારાષ્ટમાં કોરોના વાયરસના વધુ ૩,૮૯૦ , દિલ્હીમાં ૩,૭૮૮, તામિલનાડુમાં ૨,૮૬૫ તેલંગાણામાં ૮૯૧, ઉત્તરપ્રદેશમાં ૭૦૦, ગુજરાતમાં ૫૭૨, આંધ્રપ્રદેશમાં ૪૯૭, હરિયાણામાં ૪૯૦, બંગાળમાં ૪૪૫ અને આસામમાં ૪૨૯ નવા કેસ નોંધાયા છે.

આ પ્રકારે દેશમાં અત્યાર સુધી કુલ સંક્રમિત કેસ ૪ લાખ ૭૩ હજાર૧૦૫ કેસ થઈ ગયા છે. જેમાંથી એક લાખ ૮૬ હજાર ૫૧૪ એકટીવ કેસ છે. અત્યાર સુધીમાં ૨ લાખ ૭૧ હજાર ૬૯૭ દર્દીઓ સાજા થઈ ચુકયા છે. સાથે જ અત્યાર સુધી ૧૪,૮૯૪ દર્દીના મોત થયા છે. દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. બે મહિનાના લોકડાઉન બાદ તેમાં આપવામાં આવેલી છૂટછાટ બાદ કોરોનાનો કહેર દિવસેને દિવસે ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે અને હવે ૧ જુલાઇથી તેમાં વધુ છૂટછાટ આપવામાં આવશે ત્યારે દેખીતી રીતે જ કેસો વધવાની શક્્યતાને નકારી શકાય તેમ નથી.

તો બીજી તરફ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨ લાખ ૭ હજાર ૮૭૧ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ દેશમાં અત્યાર સુધી ૭૫ લાખ ૬૦ હજાર ૭૮૨ સેમ્પલ ટેસ્ટ કરાયા છે.

આ પહેલા ૨૦ જૂને ૧૫ હજાર ૯૧૮ સંક્રમિત મળ્યા હતા.છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટમાં સૌથી વધારે ૩૮૯૦ સંક્રમિતોની પુષ્ટી કરાઈ હતી. દિલ્હીમાં ૩૭૮૮ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, હવે અહીંયા ૭૦ હજાર ૩૯૦ દર્દી થઈ ગયા છે, જે મુંબઈ કરતા ૨ હજાર વધારે છે. રાહતની વાત છે કે દેશમાં કોરોનોનો રિકવરી રેટ ૬% વધીને ૫૬.૩૮% થઈ ગયો છે.

મધ્યપ્રદેશમાં શિવરાજ સરકારે એક જૂલાઈથી રાજ્યમાં “કીલ કોરોના’ અભિયાન શરૂ કરશે. આ અભિયાન હેઠળ તમામ ઘરનો સર્વે કરવામાં આવશે. આ સાથે જ ભોપાલમાં બુધવારે ૧૮૭ કેસ સામે આવ્યા હતા. સાથે જ રાજભવનમાં વધુ ૮ કેસ પોઝિટિવ મળ્યા હતા. અહીંયા સતત ૩ દિવસથી સંક્રમિત મળી રહ્યા છે. રાજભવનમાં અત્યાર સુધી ૨૪ લોકો સંક્રમિત થઈ ચુકયા છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા હવે ૧૨૪૪૮ થઈ ગઈ છે.

બિહારમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૨૩ નવા કેસ આવ્યા છે. સિવાનમાં સૌથી વધારે ૩૯, પટના ૨૦, બેગુસરાયમાં ૧૬ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી ૮,૨૭૩ લોકો સંક્રમિત મળી આવ્યા છે. જેમાંથી ૫૫ લોકોના મોત થયા છે.