અનેક વાર એવું બને છે કે પાણીપૂરીની પૂરી જરાય સારી બનતી નથી. એવામાં તમને તે ખાવાનું મન થતું નથી અને તમારી મહેનત પણ બેકાર જાય છે. ઘણીવાર પૂરી એટલી જાડી બને છે કે તેને તોડવાનું મુશ્કેલ બની જાય છે. કેટલાક લોકો પૂરી બનાવી લે છે પણ તે ફૂલતી નથી. ગરમીમાં કંઈ ખાવાનું મન ન થાય ત્યારે પાણીપૂરી બેસ્ટ ઓપ્શન છે. તેનું પાણી અને મસાલો તો ઘરે સરળતાથી બની જાય છે. ગળી ચટણી પણ તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. આ સમયે મજા ત્યારે જ આવે જ્યારે પૂરી પરફેક્ટ બની હોય. તમે અહીં આપેલી સરળ રીતથી સૂજીની પાણીપૂરી ઘરે જ બનાવી શકો છો.

સામગ્રી:

સૂજી - 200 ગ્રામ,તેલ -પા કપ,પાણી જરૂરિયાત અનુસાર,મીઠું સ્વાદ અનુસાર

બનાવાની રીત:

રવાની પૂરી બનાવવા માટે સૌ પહેલાં એક વાસણમાં રવો લો અને તેમાં તેલ મિક્સ કરીને બરોબર હલાવી લો. થોડું હૂંફાળું પાણી લઈને લોટ બાંધો. તેને 20 મિનિટ ઢાંકીને રહેવા દો. નક્કી સમયે લોટ ફૂલીને તૈયાર થઈ જશે. તેને આડણી પર 5 મિનિટ સુધી સારી રીતે મસળી લો. જેથી તે ચિકણો થશે. તૈયાર લોટના લૂઆ બનાવી લો. એક એક લૂઆને નાના નાના વણો. ધ્યાન રાખો કે તેલ લગાવીને પૂરીઓ વણો. આ રીતે દરેક પૂરીઓ વણો અને તેલ ગરમ થાય એટલે તેમાં તળતા જાઓ. પૂરીઓ સોનેરી થાય ત્યારે તેને બહાર કાઢી લો. એક પ્લેટમાં ટિશ્યૂ પેપર રાખીને નાની નાની પૂરીઓ તેની પર રાખો. તૈયાર છે રવાની પાણીપૂરી.

આ રીતે પૂરીઓ તૂટે નહીં:

પૂરીનો લોટ જેટલો ચીકણો હશે તેટલી પૂરીઓ સારી બનશે. પાણી મિક્સ કરતા જાઓ અને લોટને સારી રીતે બાંધો એ જરૂરી છે. 20-30 મિનિટ સુધી લોટને બાંધીને રાખો. તેનાથી રવો ફૂલશે. યાદ રાખો કે લૂઆને તેલ કે ઘી લગાવીને પછી જ વણવાનું છે.