ઉત્તર પ્રદેશ-

ઉત્તર પ્રદેશનાં આગ્રામાં નેશનલ હાઈવે-19 પર ગુરુવારે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો. એત્મદપુરથી આવતી સ્કોર્પિયો ડિવાઇડર પર ચઢીને ખોટી બાજુ આવી ગઇ અને કન્ટેનર સાથે જોરદાર ટક્કર થઇ ગઇ. આ દુ:ખદ અકસ્માતમાં 8 લોકોનાં મોત નીપજ્યાં હોવાનુ સામે આવી રહ્યુ છે. જ્યારે ત્રણને ગંભીર હાલતમાં એસ.એન. ઈમરજન્સીમાં દાખલ કરાયા છે. અકસ્માત બાદ હાઇવે જામ થઈ ગયો છે.

આ અકસ્માત સવારે 5.15 વાગ્યે થયો હતો. એત્માદપુર તરફથી આવી રહેલી સ્કોર્પિયો કાર અચાનક ડિવાઇડર પર બેકાબૂ થઈને રોંગ સાઇડ પર પહોંચી હતી. તે દરમિયાન કન્ટેનર રામબાગ તરફથી આવી ગયુ અને તે બંને વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ હતી. સ્કોર્પિયોને ટક્કર મારતાં ડ્રાઈવર અને ક્લિનર કન્ટેનર છોડીને ત્યાંથી નાસી ગયા હતા. આ ટક્કર કેટલી ભયાનક હશે તેનો અંદાજ તે પરથી લગાવી શકાય કે તેનો અવાજ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. આ અકસ્માતમાં સ્કોર્પિયોને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર લોકો ફસાઇ ગયા હતા. લોકો સ્કોર્પિયોમાં ફસાયેલા ચાર ઘાયલ લોકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ ગયા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા બાદ સ્કોર્પિયોની બોડી તોડીને અન્ય લોકોને બહાર કાઠવાનો પ્રયાસ કર્યો હતો.