વડોદરા-

ધર્માન્તરણ તેમજ સરકાર વિરોધી પ્રવૃત્તિ સહિતના ગેરકાનૂની કામોમાં સંડોવાયેલા વડોદરાના આફમી ટ્રસ્ટનું જમ્મુ કાશ્મીરમાં પણ નેટવર્ક હોવાની વિગતો બહાર આવી છે. ધર્માન્તરણ રેકેટમાં ફંડિંગ કરનાર વડોદરાના આફમી ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સલાઉદ્દીન શેખના સંપર્કો તેમજ તેના નેટવર્કની તપાસ માટે પોલીસે મોબાઇલની કોલ ડીટેલ, ટ્રસ્ટની પ્રવૃત્તિઓ,હિસાબો તેમજ અન્ય વિગતોની વડોદરા પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેન ટીમ તપાસ કરી રહી છે.

પોલીસ કમિશનરે કહ્યું હતું કે,ટ્રસ્ટના નેટવર્ક બાબતે થઇ રહેલી તપાસમાં જમ્મુ કાશ્મીરમાં ઘણા સંપર્કો હોવાનું જણાઇ આવ્યું છે.જેથી પોલીસ તે દિશામાં વધુ તપાસ કરી રહી છે. શહેરના આફમી ટ્રસ્ટ અંગે નોંધાયેલા ગુનામાં હવે ધરપકડનો દોર શરૂ થયો છે. કેસની તપાસ કરી રહેલી SOGએ મુસ્લિમ મેડિકલ ટ્રસ્ટના સુપરવાઇઝર મહોંમદ હુસેન ગુલામ રસુલ મન્સુરીની ધરપકડ કરી છે. મહત્વપૂર્ણ છે કે આફમી ટ્રસ્ટ અંતર્ગત મુસ્લિમ મેડિકલ સેન્ટર દ્વારા તબીબી સહાયની પ્રવૃતિ થતી હોવાનો ખુલાસો થયો છે. ત્યારે આરોપીને કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ હાથ ધરાશે. યુપીના ધર્માંતરણ કેસની તપાસમાં મની લોન્ડરિંગ અને હવાલા કૌભાંડનો પર્દાફાશ થયો છે. વડોદરાની SOGની તપાસમાં ખુલાસો થયો છે કે આફમી ટ્રસ્ટના ઓથાર હેઠળ સલાઉદ્દીન એન્ડ કંપની ગેરકાયદે પ્રવૃતિ કરી રહી હતી. વડોદરા પોલીસ કમિશનરે ખુલાસો કર્યો છે કે પાછલા 5 વર્ષમાં હવાલા દ્વારા 60 કરોડ રૂપિયા મેળવવામાં આવ્યા હતા. જેમાંથી 19 કરોડ રૂપિયા આફમી ટ્રસ્ટમાં જમા થયા હતા. આ રૂપિયાનો ઉપયોગ મસ્જિદ બનાવવા, દિલ્લીના દંગાઇઓને છોડાવવા અને સરકાર વિરોધી પ્રવૃતિઓ કરવામાં કરાયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સલાઉદ્દીન એન્ડ કંપનીએ હવાલાથી મળેલા સાડા સાત કરોડ રૂપિયાનો ઉપયોગ 103 મસ્જિદો બનાવવા કર્યો.જેમાંથી ગુજરાતમાં 8, આસામમાં 3, મહારાષ્ટ્રમાં 43, મધ્યપ્રદેશમાં 17 અને રાજસ્થાનમાં 30 મસ્જિદો બનાવી હતી.