શહેર-જિલ્લાના મહેસૂલ, પોલીસ વિભાગ અને પાલિકા પ્રશાસનના ટોચના અધિકારીએ રસી મુકાવી પ્રજાને પ્રેરણા મળે એવું કાર્ય કર્યું હતું અને સૌને રસીની સલામતીનો સંદેશો પૂરો પાડયો હતો. ઓએસડી અને રાજ્યના શિક્ષણ વિભાગના સચિવ ડો. વિનોદ રાવે સયાજી હોસ્પિટલ ખાતે રસી મુકાવ્યા બાદ કોરોનાની મહામારીના અંતની શરૂઆત થઈ ચૂકી છે. સૌ ડર રાખ્યા વગર રસી મુકાવે એમ જણાવ્યું હતું. જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે પણ સયાજી હોસ્પિટલ ખાતે રસી મુકાવી હતી અને સુરક્ષિત અને સલામત હોવાનું જણાવ્યું હતું. પાલિકાના કમિશનર પી.સ્વરૂપે પાલિકાના અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે સયાજી હોસ્પિટલમાં રસી મુકાવી હતી. શહેર પોલીસ કમિશનર ડો. સમશેરસિંઘે પણ કોરોનાની રસી મુકાવી હતી અને દરેક વ્યક્તિ રસી મુકાવે એવો સંદેશો આપ્યો હતો. વડોદરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલે જિલ્લાના પોર ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં રસી મુકાવી હતી અને મોટાપાયે અને સચોટ આયોજન હોવાનું જણાવ્યું હતું. જિલ્લા પોલીસવડા ડો. સુધીર દેસાઈએ પણ પોર ખાતે કોરોનાની રસી મુકાવી હતી . ફ્રન્ટલાઈન વોરિયર્સના રસીકરણનું વ્યાપક અને સચોટ આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સુરેન્દ્ર જૈનના નેતૃત્વ હેઠળ કરાયું હતું, જ્યારે અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદયકુમાર ટીલાવતે આ કાર્યક્રમનું નિરીક્ષણ કર્યું હતું.