વડોદરા-

કોન્ફરન્સના બહાને યુવતીને ગોવા લઇ જઈ યુવતી સાથે દુષ્કર્મ આચરનારા યુવક સામે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બાદમાં ગોત્રી પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.

જેતલપુર રોડ પરની ઓરિએન્ટ એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડમાં આ યુવતી નોકરી કરતી હતી. આ દરમિયાન કોન્ફરન્સના બહાને ગોવા લઇ જઈ યુવતી સાથે દુષ્કર્મ આચરનારા વિજય દિનેશ અગ્રવાલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે, તે છેલ્લાં ત્રણ વર્ષથી કંપનીમાં નોકરી કરતી હતી. ગયા વર્ષે તેને ઘર લેવા માટે 8 લાખની જરૂર હોવાથી તેને લોન લેવાની હતી.તે સમયે વિજય અગ્રવાલે તેને કહ્યું હતું કે, હું તને 8 લાખ રૂપિયા આપીશ, જે પૈસા પગારમાંથી કાપી લઈશ તેમ કહી 8 લાખ આપી યુવતી સાથે અણછાજતું વર્તન કર્યું હતું. તેણે ફેબ્રુઆરી માસમાં યુવતીને મેસેજ કરીને ઓફિસના કામે કોન્ફરન્સમાં ગોવા જવાનું છે, તેમ જણાવ્યું હતું. બીજી છોકરીઓ પણ સીધી આવવાની છે એમ કહ્યું હતું. 

જોકે પહેલા તો યુવતીએ ગોવા જવાની ના પાડી હતી. યુવતીએ ના પાડતાં વિજય અગ્રવાલે મારા બાકીના રૂપિયા 5 લાખ આપી દેવા દબાણ કરતાં યુવતીએ ગોવા જવાની હા પાડી હતી. ફ્લાઇટમાં ગોવા પહોંચી ગ્રાન્ડ લીયોની હોટલમાં રોકાયા હતા. જયાં યુવતીએ અન્ય છોકરીઓ અંગે પુછતાં તેણે જણાવ્યું હતું કે હાલ આ એક જ રુમ બુક કરાવ્યો છે. બાદમાં આ રુમમાં જ યુવકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતુ.એક સપ્તાહ પહેલા વિજય અગ્રવાલે તેને મોબાઇલ પર મેસેજ કરી મારા બાકીના પૈસાનું શું કર્યું, તેમ કહેતાં યુવતીએ તેને જણાવ્યું હતું કે, તે ગોવામાં મારી સાથે જે કર્યું તે ઓછું છે. તેથી વિજય અગ્રવાલે રૂપિયા તાત્કાલિક પાછી આપી દેવા ધમકી આપતાં યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને આધારે પોલીસે વિજય અગ્રવાલની અટકાયત કરી તેનો કોવિડ ટેસ્ટ કરવાની તજવીજ સાથે આગળની કાર્યવાહી હાથધરી છે. આ અંગે એસીપી એ.વી.રાજગોરે વધુ માહિતી આપી હતી.