વડોદરા: ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય પાસેથી દારૂ પકડાયો
06, નવેમ્બર 2020

વડોદરા-

ગુજરાત પોલીસ દ્વારા દારૂને લઈને સખત બની છે. ગુજરાતના વિવિધ શહેરોમાં રેડ પાડીને દારૂનો જથ્થો ઝડપી પાડવાની કાર્યવાહી ઝડપી બની છે. છેલ્લાં કેટલાક દિવસોથી સઘન તપાસ શરૂ કરાઈ છે. ત્યારે આજે ભાજપના જ નેતા પાસેથી દારૂનો જથ્થોપકડાયો છે. વડોદરા ભાયલી ગામનો જિલ્લા પંચાયતના સભ્ય પાસેથી બિયરનો મોટો જથ્થો પકડાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, ભાયલી ગામમાં જીઈબી ગોડાઉનવાળા ફળિયામાં રહેતો સંદીપ પરમાર બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી છૂટક વેચાણ કરે છે. એલસીબી પોલીસ ઈન્સ્પેક્ટર ડીબી વાળાએ જણાવ્યું કે, પેટ્રોલિંગ દરમિયાન એલસીબીની ટીમે ત્યા રેડ કરી હતી. ત્યારે સંદીપ પરમારના ઘરમાંથી 9 નંગ બિયરની પેટી મળી આવી હતી. 23,760 રૂપિયાના કુલ 216 નંગ બિયરના ટીન તેની પાસેથી મળી આવ્યા હતા. એલસીબીએ સઘન પૂછપરછ કરતા તેણે ગોરધન પાટણવાડિયાનું નામ લીધું હતું. ગોરધન પાટણવાડિયા નામના શખ્સે મંગાવેલ બિયરના ટીમ તેના ઘરે સંતાડી રાખ્યા હોવાનું તેણે એલસીબીને જણાવ્યું હતું. ત્યારે એલસીબીએ તપાસ કરતા જાણવા મળ્યું કે, ગોરધન પાટણવાડિયા ભાયલી તાલુકા પંચાયતનો સભ્ય છે અને ભાજપ સાથે જોડાયેલો છે. એલસીબીએ સંદીપ પરમાર નામનાં આરોપીની ધરપકડ કરી છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution