14, જુલાઈ 2025
વડોદરા |
1782 |
હિન્દુ રહીશો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર
વડોદરાના ભાયલી વિસ્તારમાં તૈયાર થયેલા અને નવા બની રહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોની ફાળવણીને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. સ્થાનિક હિન્દુ રહીશોએ મોટી સંખ્યામાં એકત્ર થઈને સૂત્રોચ્ચાર અને હાથમાં પ્લેકાર્ડ-બેનર સાથે કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર સુપરત કર્યું હતું. તેમની મુખ્ય રજૂઆત એ હતી કે ભાયલી ખાતેના પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં લઘુમતી કોમ (મુસ્લિમ સમુદાય) ને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, જે અશાંત ધારાના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે.
રજૂઆતમાં સ્થાનિકોએ દલીલ કરી હતી કે, જો પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં આ રીતે મુસ્લિમ સમુદાયને મકાનો ફાળવવામાં આવશે તો આ વિસ્તારમાં ન્યુસન્સ વધવાની શક્યતા છે. આનાથી લઘુમતી કોમની આ વિસ્તારમાં અવરજવર ખૂબ વધી જશે, પરિણામે હિન્દુ પરિવારને અન્યાય થશે. બંને કોમની રહેણીકરણી, રીતરિવાજો અને સંસ્કૃતિ અલગ હોવાથી ભવિષ્યમાં તમામ પ્રકારની તકલીફો ખૂબ મોટા પ્રમાણમાં વધી જશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં લઘુમતી કોમની સંખ્યા ખૂબ ઓછી હોવાથી અત્યાર સુધી આ વિસ્તાર ખૂબ શાંત રહ્યો છે. જોકે, હિન્દુ સમિતિના નેજા હેઠળ કેસરી બેનર સહિત કેસરી પ્લેકાર્ડ સાથે મોટી સંખ્યામાં ઉમટી પડેલા સ્થાનિક હિન્દુ રહીશોએ કલેક્ટર કચેરીએ માગ કરી હતી કે, આ વિસ્તારમાં નવા બની રહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં ફક્ત હિન્દુઓને જ પ્રાથમિકતા આપવામાં આવે.
તેમણે ચેતવણી આપી હતી કે, જો લઘુમતી કોમના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો ફાળવવામાં આવશે તો અન્ય રહેવાસીઓને પણ ભારે તકલીફનો સામનો કરવો પડશે અને મકાનોની ફાળવણી બાદ બંને કોમ વચ્ચે તકરાર પણ વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી. બંને કોમનું કલ્ચર અલગ હોવાથી મુશ્કેલીઓ દિન પ્રતિદિન વધશે અને શાંત ગણાતો આ વિસ્તાર કાયમ માટે અશાંતિમાં ફેરવાઈ જાય તો નવાઈ નહીં તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેથી કરીને, ભાયલી વિસ્તારમાં બની રહેલા અને બની ગયેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોની ફાળવણીમાં મુસ્લિમોને પ્રાધાન્ય નહીં આપીને માત્ર હિન્દુઓને જ મકાનો ફાળવવાની પ્રક્રિયામાં પ્રાથમિકતા આપવા માટે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી.