12, એપ્રીલ 2023
વડોદરા, તા.૧૨
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમા ભારત સરકારના સ્ટેટ વિજિલન્સ કમિશનની ગાઈડલાઈન મુજબ ટેન્ડર પ્રક્રિયા થતી નથી .જે તે કામના વાર્ષિક ઇજારાની મુદત પૂરી થવાની હોય તેના છ મહિના પહેલાથી જ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવા વિરોધ પક્ષ કોંગ્રેસે માગ કરી છે.
પાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતાએ કહ્યુ હતુ કે,વડોદરા કોર્પોરેશન દ્વારા ઝોન તેમજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા વિવિઘ કામોના વાર્ષિક ઇજારા કરવામાં આવે છે. આ વાર્ષિક ઇજારા દરેક કામ માટે ટેન્ડરની પ્રક્રિયા કરવી ન પડે, સમયના બગડે, કામ ઝડપથી થાય અને કોર્પોરેશનને આર્થિક ફાયદો થાય.તે માટે કરવામાં આવે છે. કોર્પોરેશનના તંત્ર દ્વારા વાર્ષિક ઈજારાઓ નિયત સમયમાં થતા નથી અને ચાલુ ઇજારાઓને મૂદત પુરી થયા બાદ પણ લંબાવવામાં આવી રહ્યા છે. જે કાયદા વિરૂધ્ધ છે. આ સંદર્ભે ભારત સરકારના સ્ટેટ વીજીલન્સ કમિશન દ્વારા તેના એક સરક્યુલર માં સ્પષ્ટ જણાવ્યુ છે કે ટેન્ડરનું ફાઇનલાઇઝેશન અને કોન્ટ્રાક્ટ આપવાની પ્રક્રીયા નિયત કરેલ સમય મર્યાદામાં કરી દેવી જાેઇએ. ટેન્ડરને એબ્સ્ટેઇન કરવાનુ વિચારવુ ન જાેઇએ. એવી પણ એડવાઇઝ આપી છે કે દરેક સંસ્થાએ ટેન્ડરની પ્રક્રીયા તેના માટે કરેલ નિર્ધારીત સમય મર્યાદામાં જ કરી દેવી જાેઇએ અને કોઈ તાર્કિક કે વાજબી કારણ હોય તો જ એક્સ્ટેસન આપવુ જાેઇએ. કોર્પોરેશનમાં વિજિલન્સ કમિશનરની આ ગાઇડલાઇન ફોલો થતી હોય તેમ લાગતું નથી. ઉત્તરઝોનમાં કેટલા ક ઇજારાઓ પૂર્ણ થઇ ગયેલ છે અને બાકી રહેલ ઇજારાઓ એક બે મહિનામાં પૂર્ણ થશે. છતા પણ નવા વાર્ષિક ઇજારાઓ કરવામાં આવેલ નથી. પૂર્વઝોનમાં વરસાદી ગટર નિભાવણી અને સફાઇ, રોડ કાર્પેટ-સીલકોટ, બિલ્ડીંગ અને પેવર બ્લોકના ઘણા કામો થયેલ નથી. દક્ષિણ ઝોનમાં પણ રોડ, વરસાદી ગટર, હાર્ડમુરમ, રોડ કાર્પેટ અને સીલકોટ, આર.સી.સીના ઇજારાઓ થયેલ નથી, જેના કારણે લોકોને તકલીફ પડશે.