વડોદરા, તા.૩૧

વડોદરા જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની આજે મળેલી બેઠકમાં વર્ષ ૨૦૨૧-૨૨નું સુધારેલું રૂા.ર૯ કરોડનું અને વર્ષ ૨૦૨૨-૨૩નું સ્વભંડોળનું રૂા.૨૬ કરોડનું અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું હતું. પુરાંતવાળું બજેટ હવે સામાન્યસભામાં મંજૂરી માટે રજૂ કરાશે.વડોદરા જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક આજે મળી હતી. જેમાં વર્ષ ૨૦૨૧-૨૨નું રૂા.૧૯ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું, તેને વધારીને રૂા.ર૯ કરોડનું કરવામાં આવ્યું હતું. જ્યારે વર્ષ ૨૦૨૨-૨૩નું પુરાંતવાળું રૂા.૨૬ કરોડના બજેટને મંજૂરી આપવામાં આવી હતી. બજેટ અંગે કારોબારી સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, બજેટને સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી છે. સ્ટેમ્પ ડયૂટી, રેતી કંકર અને જમીન મહેસૂલમાંથી જે આવક થશે તેમાં બચત થાય તે માટે પ્રયાસ કરાશે.તેમણે વધુમાં કહ્યું હતું કે, કારોબારી સમિતિએ મંજૂર કરેલા બજેટમાં આંગણવાડીઓના અપગ્રેડેશન માટે રૂા.૧.૧૦ કરોડ, સિંચાઈ માટે રૂા.૧૮ લાખ, પંચાયતની બિલ્ડિંગના રિનોવેશન માટે રૂા.ર કરોડ, બિલ્ડિંગના પાયામાં તિરાડો પડી છે જેના રિપેરિંગ માટે રૂા.૧૦ લાખ, જિલ્લા પંચાયતના સભાખંડના રિનોવેશન માટે રૂા.૬૦ લાખ તેમજ જિલ્લા પંચાયતના સભ્યોને તેમના વિસ્તારમાં વિવિધ વિકાસનાં કામો માટે રૂા.૧.૭૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.વિપક્ષના સભ્ય ડો. પ્યારેસાહેબ રાઠોડે રજૂઆત કરી હતી કે બજેટ જિલ્લાના સર્વાંગી વિકાસ માટેની ચર્ચા માટે હોય છે ત્યારે ચર્ચા માટે વિપક્ષના સભ્યોને પણ સામેલ કરાય. કારોબારી સમિતિએ મંજૂર કરેલું બજેટ હવે સામાન્યસભામાં મંજૂરી માટે રજૂ કરાશે.

કારોબારી સમિતિની બેઠકમાં મહિલા સભ્યોના પતિ ઉપસ્થિત રહેતાં વિવાદ

વડોદરા જિલ્લા પંચાયતની બજેટ માટે આજે કારોબારી સમિતિની બેઠક મળી હતી. તે પૂર્વે જિલ્લા ભાજપા પ્રમુખની ઉપસ્થિતિમાં સંકલન સમિતિની બેઠક મળી હતી. જાે કે, કારોબારી સમિતિની બેઠકમાં મહિલા સભ્યોના પતિ ઉપસ્થિત રહેતાં વિવાદ થયો હતો. જાે કે, કારોબારી સમિતિના ચેરમેને પારદર્શકતા માટે તેમને બેઠકમાં બેસાડયા હોવાનું જણાવ્યું હતું.