વડોદરા: સેન્ટ્રલ જેલમાં કેદીઓ દ્વારા સંચાલિત એફએમ રેડિયો સ્ટેશન થશે શરૂ
03, માર્ચ 2021

વડોદરા-

વડોદરા સેન્ટ્રલ જેલના કેદી કલ્યાણ અને સુધારણાના ઉજ્જવળ આયામોમાં વધુ એક યશસ્વી પ્રકરણ આજે આજથી ઉમેરાશે. તેની સાથે રાજ્યની ચોથી જેલ કેદીઓના માનસ પરિવર્તન અને મનોરંજન માટે પોતીકા એફએમ રેડિયોના યુગમાં પ્રવેશ કરશે. રચનાત્મકતાનું સિંચન કરતી સર્જનાત્મકતા કેદીઓના જીવન પરિવર્તનનું સશક્ત માધ્યમ બની શકે એવી લાગણી વ્યક્ત કરતા જેલ અધિક્ષક બળદેવસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, જેલોના મહા નિર્દેશક-ડી.જી.ના સીધા આદેશ થી વડોદરા જેલમાં આ એફએમ રેડિયો સ્ટેશન ચાલુ કરવામાં આવ્યુ છે.

અને તેના માટે જરૂરી સ્ટુડિયો સહિતની તમામ સુવિધાઓ જેલની ચાર દીવાલો વચ્ચે ઉભી કરવામાં આવી છે. તેના પર થતાં કાર્યક્રમોનું પ્રસારણ પણ જેલની ચાર દીવાલો વચ્ચે જ સાંભળી શકાશે. ગયા વર્ષની ગાંધી જયંતિ એટલે કે બીજી ઓકટોબર, ૨૦૨૦ના રોજ રાજ્યની જેલોના ઇતિહાસમાં કેદીઓ માટેની સુવિધાઓનો એક નવો કથાનક લખાયો એવી લાગણી વ્યક્ત કરતાં કેદી કલ્યાણ અધિકારી મહેશ રાઠોડે જણાવ્યું હતું કે,

એ દિવસે સાબરમતી જેલમાં રાજ્યનું પ્રથમ એફએમ રેડીયો સ્ટેશન શરૂ થયું, તે પછી સુરત અને રાજકોટ જેલો પછી હવે વડોદરા જેલમાં તેનો ગુંજારવ શરૂ થશે, જે કેદીઓને મનોભાવો અને લાગણીઓ વ્યક્ત કરવાની જરૂરી મોકળાશ આપશે. આ બધું કોરોના કાળમાં થયું. એટલે નકારાત્મક સમયની આ એક સકારાત્મક ભેટ છે એવુ કહી શકાય.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution