વડોદરા: કોરોનાના કેસ વધતા મંગળ બજાર બે દિવસ માટે બંધ, દુકાનો ખૂલશે તો 50 હજારનો દંડ 
29, નવેમ્બર 2020

વડોદરા-

કોરોનાના કેસ વધતા વડોદરાનું તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. શહેરમાં કોરોનાની ગાઈડલાઈન પર સખતાઈથી અમલ કરવાનું શરૂ કરાયું છે. માસ્ક ન પહેરનારા અને સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવનારા પર તવાઈ મૂકવામાં આવી છે. ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા કોવિડ 19ની ગાઈડલાઈન ન ફોલો કરનારા પાંચ શોપિંગ મોલને સીલ કરાયા છે. તો બીજી તરફ શહેરના ચાર મોલ સ્વૈચ્છાએ બંધ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરના અનેક શાક માર્કેટ પણ બંધ રાખવામાં આવ્યા છે. તો વડોદરાનું મંગળ બજાર માર્કેટ પણ બે દિવસ માટે બંધ કરાયું છે.

શહેરના મધ્યમાં આવેલ મંગળ બજાર માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું કોઈપણ પાલન થતુ નથી. તેથી વહીવટી તંત્ર દ્વારા લાલ આંખ કરાઈ છે. મંગળ બજાર અને પદ્માવતી શોપિંગ સેન્ટરમાં બેસતા પથારા, કડક બજાર, ગધેડા માર્કેટ વગેરેને બંધ કરાવવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે. મંગળ બજાર માર્કેટને બે દિવસ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. જો આ ત્રણ દિવસમાં કોઈ દુકાન ખુલ્લી રહેશે તો તેને 50000 નો દંડ કરાશે. તંત્રના અધિકારીઓ દ્વારા શનિવારે આખા બજારમાં ફરીને માઈક પર જાહેરાત કરવામાં આવી હતી, જેના બાદ બજારની દુકાનો ટપોટપ બંધ થવા લાગી હતી. આગામી 15 દિવસ વડોદરા માટે ખૂબ મહત્વના છે. કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત ટીમ બનાવી હવેથી કાર્યવાહી કરાઈ રહી છે. શહેરમાં દરેક વોર્ડવાઈઝ ટીમ ફરી રહી છે અને માસ્ક (mask) ન પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરનાર સામે કાર્યવાહી કરે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution