13, ઓગ્સ્ટ 2021
વડોદરા-
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં આવેલી સિમેન્ટ ફેક્ટરીની ચીમની તૂટી જવાથી સર્જાયેલી ઔદ્યોગિક હોનારતની બચાવ કામગીરીમાં યોગદાન આપવા એન.ડી. આર.એફ.ની વડોદરા સ્થિત છઠ્ઠી બટાલિયન દ્વારા હાલમાં ચોમાસું પરિસ્થિતિને લઈને રાજકોટ અને જુનાગઢમાં રાખવામાં આવેલી બે ટુકડીઓને જરૂરી સાધનો અને ઉપકરણો સાથે ગઈકાલે તાત્કાલિક રાણાવાવ રવાના કરવામાં આવી હતી. બટાલિયનના નાયબ સેનાપતિ અનુપમે જણાવ્યું કે, આ પૈકીની એક ટુકડીએ ગુરૂવારની રાત્રિએ દુર્ઘટના સ્થળે પહોંચીને અને પ્રાથમિક જાણકારી લઈને બચાવ કાર્યમાં અન્ય એજન્સીઓ સાથે જોડાઈ ગઈ હતી. તે સમયે સ્થાનિક ટુકડીઓ એ બે ઇજાગ્રસ્તોને અગાઉ ઉગારી લીધાં હતાં. સંયુક્ત બચાવ કામગીરી વહેલી પરોઢ સુધી ચાલી હતી જેમાં સંયુક્ત કામગીરી થી 3 ને જીવતા ઉગારવા ઉપરાંત 3 મૃતદેહો કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં મુખ્યત્વે ટાંકીના ભારે કાટમાળને ખસેડી ફસાયેલાઓને શોધીને બહાર કાઢવાના હતા.ઇજાગ્રસ્તોને દવાખાને પહોંચાડ્યા બાદ વહેલી પરોઢે અભિયાન પૂરું કરવામાં આવ્યું હતું. આમ, વડોદરા એન. ડી. આર. એફ.ની ટુકડીઓ તાઉતે પછી મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અને પછી રાજસ્થાનમાં પૂરની આફતોમાં સતત બચાવ કાર્યમાં યોગદાન આપી રહી છે.