વડોદરા-

વડોદરા નજીક રાષ્ટ્રીય આપદા રાહત બળ એટલે કે એન. ડી.આર.એફ.ની બટાલિયન 6 નું મુખ્ય મથક છે.વિવિધ આફતો પ્રસંગે બચાવ અને રાહતની નિપુણતા એ આ વિશેષ દળની ખાસિયત છે. ચોમાસાની ઋતુ તેમજ અતિ વૃષ્ટીના વાતાવરણને અનુલક્ષીને આ દળ દ્વારા તેની ટુકડીઓને સુસજ્જ રાખવામાં આવી છે.

વડોદરા એકમના અધિકારી હિમાંશુ બડોલા એ જણાવ્યું કે વર્તમાન પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને હાલમાં ગુજરાત ના વિવિધ સ્થળોએ 13 અને રાજસ્થાનમાં 3 મળીને આ યુનિટની કુલ 16 ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.આ ટુકડીઓ બચાવ અને રાહતના કામમાં માહેર માનવ સંપદા તેમજ આધુનિક સાધનો અને ઉપકરણો થી સુસજ્જ છે જે જે તે વિસ્તારના પ્રશાસન સાથે સંકલિત રહીને કામગીરી કરે છે. નર્મદામાં પૂરની પરિસ્થિતિ ને અનુલક્ષીને હાલમાં એક ટુકડી જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન પ્રમાણે કરનાળી વિસ્તારમાં મોકલવામાં આવી છે. હાલમાં આ એકમની ટુકડીઓ રાજ્યમાં વડોદરા ઉપરાંત ભરૂચ,સુરત,વલસાડ, દ્વારકા,ભુજ,નવસારી,ગીર સોમનાથ,બનાસકાંઠા,મોરબી,દાહોદ,ગાંધીનગર, પાટણ ખાતે અને રાજસ્થાન ના કોટા,ઉદયપુર અને જાલોર માં કાર્યરત છે.