વડોદરા, તા.૨૩

શહેર નજીક આવેલ સોખડા હરિધામ મંદિરની ગાદીના વકરી રહેલા વિવાદ વચ્ચે વિવિધ પ્રદેશના સંતોમાં બહુમતી નહીં ધરાવતા પ્રેમસ્વરૂપ સ્વામી જૂથ દ્વારા એક બાદ એક પ્રદેશની સમિતિઓ વિખેરી નવી સમિતિમાં પોતાના જૂથના સભ્યોને મૂકવામાં આવતા હોવાની હરિભક્તોમાં ચાલતી ચર્ચા મુજબ જૂનાગઢ અને અમદાવાદ બાદ હવે વડોદરા પ્રદેશની સમિતિ પણ વિખેરીને પ્રેમસ્વરૂપ સ્વામીના સમર્થક મનાતા ૩ સભ્યો સહિત ૯ સભ્યોની નવી સમિતિ બનાવાઈ છે. આ નવી સમિતિમાં તમામ સભ્યો પ્રેમસ્વરૂપ સ્વામીના સમર્થક હોવાનું હરિભક્તોમાં ચર્ચાઈ રહ્યું છે.

સોખડા હરિધામ મંદિરના ગાદીના છેલ્લાં કેટલાંક દિવસથી વિવાદ વધુ વકરી રહ્યો છે. ત્યારે પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તોએ અલગ અલગ સ્થળે સંમેલનો યોજીને શક્તિપ્રદર્શન શરૂ કર્યું છે. તો બીજી તરફ વિવાદના કારણે મંદિરના દ્વાર ભક્તો માટે હજુ ખોલવામાં આવ્યા નથી. થોડાં દિવસ પૂર્વે સોખડા ખાતે પ્રબોધ સ્વામીની ઉપસ્થિતિમાં તમામ પ્રાદેશિક સંતો, પ્રમુખોની મળેલી બેઠકમાં તમામ પ્રાદેશિક સમિતિઓ વિખેરી નાખીને રોજબરોજના વહીવટ માટે ૮ સભ્યોની સમિતિ બનાવાઈ હોવાની અને નવી સમિતિઓમાં પ્રેમસ્વરૂપ સ્વામી જૂથના મનાતા સભ્યોને મુકીને સંતોમાં બહુમતી નહીં હોવા છતાં બહુમતી મેળવવા આમ કરાયાની ભક્તોમાં ચર્ચાઓ શરૂ થઈ હતી.

ત્યારે જૂનાગઢ પ્રદેશની તેમજ ત્યાર પછી અમદાવાદ પ્રદેશની સમિતિને વિખેરીને તેમાં કેટલાકને રિપીટ કરીને સમિતિના તમામ સભ્યો પ્રેમસ્વરૂપ સ્વામી જૂથના મનાતા સભ્યોને મૂકવામાં આવ્યા હોવાનો ગણગણાટ હવે હરિભકતોમાં શરૂ થયો છે. ત્યારે હવે જૂનાગઢ અને અમદાવાદ પછી હવે ભગતજી પ્રદેશ એટલે કે વડોદરા અને આસપાસના પ્રદેશમાં મંદિર દ્વારા થતી વિવિધ ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના આયોજનનું સંચાલન અને રોજબરોજના કાર્યો માટેની અગાઉની સમિતિ વિખેરી નાખવામાં આવી હતી.

જ્યારે નવી જાહેર કરાયેલ વડોદરાની પ્રાદેશિક સમિતિમાં પ્રેમસ્વરૂપ સ્વામી જૂથના મનાતા ૩ ને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે ૯ સભ્યોની સમિતિમાં અન્ય ૬ સભ્યો મૂકવામાં આવ્યા છે, જે તમામ પ્રેમસ્વરૂપ સ્વામી જૂથના હોવાની ચર્ચા હરિભક્તોમાં થઈ રહી છે. આમ, બહુમતી નહીં ધરાવતા પ્રેમસ્વરૂપ સ્વામી જૂથ દ્વારા વિવિધ પ્રાદેશિક સમિતિઓમાં પોતાના જૂથના સભ્યોને મુકીને બહુમતી મેળવાવ માટે પ્રયાસ શરૂ કરાયા હોવાનું હરિભક્તોમાં ચર્ચાઈ રહ્યું છે.