વડોદરા-

ભાનુમતી ઘીવાલા સયાજી હૉસ્પિટલ અને ખાસ કરીને સ્ત્રીરોગ અને પ્રસૂતિ વિભાગમાં દર્દીઓ અને સ્ટાફમાં 'ભાનુ સિસ્ટર'ના હુલામણા નામે જાણીતાં છે. તેમનું આખું નામ ભાનુમતી સોમાભાઈ ઘીવાલા છે. ભારતીય ઉપચર્યા પરિષદ એટલે કે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલે નર્સિંગના ક્ષેત્રમાં પદ્મશ્રી ગણાય તેવા 2020ના 'ફ્લોરેન્સ નાઇટિંગેલ રાષ્ટ્રીય એવોર્ડ' માટે તેમની પસંદગી કરી છે, જેનાથી સયાજી હૉસ્પિટલ અને આખા ગુજરાતના નર્સિંગ પરિવારનું ગૌરવ વધ્યું છે. નર્સિંગ પ્રોફેશનના આદ્યસ્થપાક ગણાય તેવા અને જેમને આખી દુનિયા 'દયાની દેવી' કે 'લેડી વિથ ધી લેમ્પ'ના નામે ઓળખે છે તેવા ફ્લોરેન્સ નાઈટિંગેલનું નામ જેની સાથે જોડાયેલું છે તેવો આ એવોર્ડ કરુણા અને માનવતા, સહૃદયતા અને સંવેદનાથી મઘમઘતી સમર્પિત દર્દી સેવા માટે આપવામાં આવે છે. તેની પસંદગી રાષ્ટ્રીય સ્તરે થાય છે. ભાનુબેને અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં નર્સિંગની તાલીમ પૂરી કરીને રાજ્યની આરોગ્ય સેવામાં રાપરથી કારકિર્દી શરૂ કરી હતી. તે પછી પાલનપુર અને 2000ની સાલથી વડોદરામાં સેવા આપી રહ્યાં છે. ભાનુબેને સરકારી આરોગ્ય સેવામાં રહીને ચંદીગઢમાં ગાયનેક નર્સિંગની વિશેષ તાલીમ મેળવી છે અને તે પછી એન.પી.એમ.ની લાયકાત પ્રાપ્ત કરી છે. પ્રસુતિને લગતી નર્સિંગ સેવાઓમાં તેમની નિપુણતા સલામત પ્રસૂતિ અને માતા અને નવજાત શિશુની સ્નેહ સાથે સારસંભાળ લેવાની ધગશને પગલે તેમને મોટેભાગે લેબર રૂમની ફરજો સોંપવામાં આવે છે. તેઓ કહે છે કે, "આ એક એવી ફરજ છે જે તબીબો, નર્સિંગ અને સહાયક સ્ટાફના સંપૂર્ણ સંકલન અને સહયોગથી સફળ થાય છે. સયાજીમાં અમે એક ટીમ તરીકે કાર્ય કરીને અઘરામાં અઘરી પ્રસૂતિ અને બાળસંભાળના પડકારોનો સફળ સામનો કરી શકીએ છીએ." ભાનુમતી ઘીવાલા સયાજી હૉસ્પિટલ અને ખાસ કરીને સ્ત્રીરોગ અને પ્રસૂતિ વિભાગમાં દર્દીઓ અને સ્ટાફમાં 'ભાનુ સિસ્ટર'ના હુલામણા નામે જાણીતાં છે. ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલે 2020ના 'ફ્લોરેન્સ નાઇટિંગેલ રાષ્ટ્રીય એવોર્ડ' માટે તેમની પસંદગી કરી છે.