વડોદરા-

વડોદરા માં ચાલુ રહેલા સતત વરસાદ અને ઉપરવાસ માંથી આવી રહેલા નવા પાણી ને લઈ વિશ્વામિત્રી નદીમાં પાણી ની સપાટી વધતા વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરુઆત થઈ ચૂકી છે. વિશ્વામિત્રી નદીના કાંઠે આવેલા સુભાષનગરમાં પૂરના પાણી ઘૂસી ગયા છે, જોકે સુભાષનગરના લોકોનું આગલા દિવસે ગતરોજ શુક્રવારે જ સ્થળાંતર કરવામાં આવતા તેઓ સલામત છે વિશ્વામિત્રી નદી માં પાણી નીસપાટીમાં સતત વધારો થતાં વડોદરા શહેર પર પૂરનું સંકટ તોળાઇ રહ્યું છે. વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી બપોરે 1 વાગ્યે 22.50 ફૂટે પહોંચી છે. વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે.

આજવા ડેમ ઓવરફ્લો થતાં પાણી સતત વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યુ છે પરિણામે વડોદરા શહેરમાં આવનારા પૂરના સંકટને પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે અને પૂરની સ્થિતિને પહોંચી વળવાની તમામ પગલાંઓ ભરવામાં આવ્યા છે. NDRF અને ફાયરબ્રિગેડની ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં ગત વર્ષે 31 જુલાઇ-2020ના રોજ એક જ દિવસમાં 20 ઇંચ વરસાદ વરસતા પૂરની સ્થિતિનું નિર્માણ થયા બાદ આ વર્ષે ફરી વડોદરા અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજવા ડેમમાં નવા નીરની આવક થતાં વિશ્વામિત્રી નદીમાં પૂર ની ફરી એકવાર સ્થિતિ ઉભી થઇ છે. શહેર ના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.