18, મે 2021
વડોદરા-
વડોદરા શહેરની ગોત્રી સયાજી હોસ્પિટલ બાદ આજે જમનાબાઇ હોસ્પિટલ ના નર્સિંગ સ્ટાફ દ્વારા પડતર માંગણીઓ અંગે હડતાલ પાડી દેખાવો કર્યા હતા.કોરોના મહામારી દરમિયાન સરકારી હોસ્પિટલોમાં છેલ્લા સવા વર્ષથી સતત કામગીરી કરનાર ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ હવે વર્ષોથી પડતર માંગણીઓ અંગે હડતાલ અને દેખાવો યોજી સરકાર સામે વિરોધ વ્યક્ત કરી રહી છે.
વડોદરાની જમનાબાઇ હોસ્પિટલ ખાતે આજે નર્સિંગ સ્ટાફ દ્વારા હડતાલ પાડવામાં આવી હતી અને કમ્પાઉન્ડમાં એકઠા થઈ દેખાવો યોજીવિરોધ વ્યક્ત કર્યો હતો. નર્સિંગ સ્ટાફ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે કેન્દ્ર સરકાર દ્વારા નર્સિંગ સ્ટાફને જે વેતન આપવામાં આવે છે તે પ્રમાણે ગુજરાત સરકાર તેનો અમલ કરે તે જરૂરી છે આ ઉપરાંત નર્સિંગ સ્ટાફની ઘટ પડી રહી છે તેમાં કાયમી ધોરણે ભરતી કરવી જોઈએ સાથે સાથે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવાની પણ માગણી કરવામાં આવી હતી.