ગટરના નાણાં ‘ગટર’ કરનાર શાસકોના પાપે માત્ર ૩.૫ ઈંચ વરસાદમાં વડોદરા જળબંબાકાર
29, સપ્ટેમ્બર 2021

વડોદરા : વડોદરા શહેરમાં બપોરના સમયે અને ત્યાર પછી સમી સાંજે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ થતા મોટાભાગના વિસ્તારોમાં પાણી પાણી થઇ ગયા હતાં. બપોરે પોણા બે ઇચ અને સાંજે દોઢ ઇંચ વરસાદ સાથે દિવસ દરમિયાન સાડાત્રણ ઇચ વરસાદ ખાબકતા ઠેરઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા લોકો મુશ્કેલીમા મુકાઇ ગયા હતાં. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે તંત્રને સતર્ક કરવામાં આવ્યું છે.

વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝનમાં ઓછો વરસાદ થતા પાણીની મુશ્કેલી સર્જાય તેવી સ્થિતી વચ્ચે શ્રાવણ પુરો થતા જ ભાદરવો ભરપુરની કહેવતને સાચી સાબીત કરતા છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ થઇ રહ્યો છે જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જાેકે આજે વહેલી સવારે એટલે ૬ થી ૮ દરમિયાન ૧૪ મીમી વરસાદ થયા બાદ રોકાઇ ગયો હતો. પરંતુ બપોરે એકાએક વાદળો ઘેરાયા હતા અને વીજળીના કડાકા સાથે એક કલાક ધોધમાર વરસાદ ખાબકતાં શહેરના રાવપુરા, મદનઝાંપા રોડ, એમજી રોડ, દાંડિયા બજાર વેરાઇમાતા ચોક સહિત વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતાં. જ્યારે અલકાપુરી ગરનાળુમાં પાણી ભરાતા જેતલપુર બ્રિજ પર પણ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં. બપોરે બે થી ચાર દરમિયાન ૪૦ મીમી એટલે પોણા બે ઇંચ વરસાદ થયો હતો. જાેકે ત્યાર પછી ત્રણ કલાક વરસાદે વિરામ પામ્યો હતો.

જાેકે સમી સાંજે ફરી વાદળા ઘેરાયા હતાં અને ધોધમાર વરસાદ શરૂ થતા ઓફિસમાંથી છુટીને ઘરે જઇ રહેલા લોકો અટવાઇ ગયા હતાં. જાેકે લગભગ એક કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકતાં શહેર ફરી તરબતર થઇ ગયું હતું.

જિલ્લાપુર નિયંત્રણ કક્ષાના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે દિવસ દરમિયાન વડોદરા શહેરમાં ૮૭ મીમી એટલે સાડા ત્રણ ઇંચ વરસાદ થતા શહેરનો મેકઅપ ઉતરી ગયો હતો અને પાલિકાતંત્રની પોલ ફુલી ખુલી ગઇ હતી. હવામાન વિભાગે આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. જેને લઇ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં મોસમના સરેરાશ વરસાદની સામે અત્યાર સુધી ૯૫.૪૨ ટકા જેટલો વરસાદ થઇ ગયો છે.

આજવા સરોવરની સપાટી વધીને ૨૧૧. ૪૦ ફૂટ થઈ

વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતા આજવા સરોવરમાં સપાટી આજે સાંજે વધીને ૨૧૧.૪૦ ફૂટ થઇ છે. જ્યારે આજવા સરોવરમાં પાણી ઠાલવતી ફીડર ૪.૭૦ ફૂટના લેવલથી ચાલુ હોવાથી હજી સપાટી વધશે. આ ઉપરાંત ચાર-પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જયારે વિશ્વામિત્રીની સ૫ાટી વધીને ૧૨ ફૂટ થઈ હતી.

ભારે વરસાદ પડે અને આજવાનું લેવલ ૨૧૨.૫૦ ફૂટથી પણ વધી જાય તો આજવા સરોવરથી પાણી છોડવાનો ર્નિણય લેવાશે તેમ જાણવા મળ્યું છે. આજવાથી પાણી છોડવામાં આવેે તો વિશ્વામિત્રી નદીમાં સપાટી વધશે. હાલ આજવાની સપાટી જાેતાં હજી આજવામાં એક ફૂટ જેટલું પાણી ભરવામાં આવશે. ગઈકાલથી આજ સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં આજવાની સપાટીમાં અડધા ફૂટનો વધારો નોંધાયો છે. આ વખતે ચોમાસામાં વરસાદ શરૂમાં ઓછો થતાં આજવા સરોવર હજી સુધી ભરાયું નથી. છેલ્લા પંદર દિવસમાં પાછોતરા વરસાદથી આજવાના સ્ત્રાવ વિસ્તારમાં સારો વરસાદ છતાં લેવલમાં સુધારો થતાં તંત્રને રાહત થઇ છે.

કયાં કેટલો વરસાદ ?

વડોેદરા ઃ હવામાન વિભાગ દ્વારા આગાહીઓ વચ્ચે સમગ્ર શહેરમાં ભારે વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની સ્થિતી પણ જાેવા મળી હતી. સમગ્ર જીલ્લામાં દિવસભર ભારે વરસાદ નોંધાયો હતો. જે પૈકી સૌથી વધારે શહેરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો તે સાથે અન્ય તાલુકાઓ પૈકી કરજણ ખાતે ૪૨ એમ. એમ. , ડભોઈ ખાતે ૩૮ એમ. એમ. , પાદરા ખાતે ૨૦ એમ .એમ. , વાધોડીયા ખાતે ૩૨ એમ.એમ. , સાવલી ખાતે ૯ એમ .એમ. અને શિનોર ખાતે ૯ એમ .એમ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદ નોંધાયાની સાથે જ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution