નડિયાદ, તા.૩ 

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના એક પછી એક પરાક્રમ બહાર આવી રહ્યાં છે. હવે આ મામલાને દબાવવા ધાક ધમકીનો ઉપયોગ થઈ રહ્યો હોવાની અરજી ચકલાસી પોલીસ મથકે થઈ છે. ઘનશ્યામપ્રકાશ શાસ્ત્રી સ્વામીના શિષ્ય સાથેના સંબંધને ખુલ્લો પાડતી એક ઓડિયો ક્લિપ અને પત્ર વાઇરલ થયાં પછી આ મામલે પોલીસ તપાસની માગ કરનારા સંજાયાના હરિભક્તને મંદિરમાં ભગવાન હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સામે જ મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે મહેન્દ્રભાઈ પટેલ સામે પગલાં ભરવા રાકેશભાઈએ વધુ એક અરજી ચકલાસી પોલીસ મથકે આપી હતી.

ઘટનાને વિગતવાર સમજીયે તો, વડતાલ મંદિરના કોઠારી અને તેમનાં શિષ્ય વચ્ચે સમલૈગિંક સંબંધની ઓડિયો તથા ૩૨ પાનાનો લેટર બોમ્બ અગાઉ વાઇરલ થયો હતો. આ મામલે સંજાયાના રાકેશભાઈ પટેલે ચકલાસી પોલીસ મથકે અરજી કરી હતી. જેનાં પગલે ભારે હોબાળો પણ થયો હતો. દરમિયાનમાં આ અરજી પરત ખેંચી લેવાં રાકેશભાઈને ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ ખુદ તેઓએ કર્યો છે. રાકેશભાઈએ વધુ એક અરજી ચકલાસી પોલીસમાં આપીને એવો આક્ષેપ કર્યો છે કે, ગુરુવાર સવારે ૮ઃ૪૫ કલાકે તેઓ વડતાલ મંદિરમાં દર્શનાર્થે ગયાં હતાં. તે સમયે વડતાલના જ મહેન્દ્ર વિઠ્ઠલભાઈ પટેલ તેમની પાસે આવ્યાં હતાં અને મંદિરમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સામે જ ધમકી આપી અને ફેંટ પકડવાની કોશિશ કરી હતી.

આ મામલે મહેન્દ્રભાઈ પટેલ સામે પગલાં ભરવા રાકેશભાઈએ વધુ એક અરજી ચકલાસી પોલીસ મથકે આપી હતી. આ ઉપરાંત આ સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હોવાનો દાવો કરાયો છે. આ મામલે ચકલાસી પોલીસે તપાસ હાથ ધરી છે.

બંને પક્ષે ચકલાસી પોલીસમાં સામ-સામી અરજીઓ

પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ, રાકેશ પટેલની અરજી આધારે વડતાલના મહેન્દ્રભાઇ પટેલનું નિવેદન લેવામાં આવ્યું હતું. મહેન્દ્રભાઈએ નિવેદન નોંધાવ્યું હતું કે, અમે બંને એક જ પક્ષના છીએ, સત્સંગમાં મેં પણ ઉમેદવારી નોંધાવી છે. રાકેશભાઇએ તેમની સાથે આવવા જણાવ્યું હતું. મેં ના પાડી હતી, જેને કારણે ઝઘડો થયો હતો. આ નિવેદન બાદ મહેન્દ્રભાઇએ પણ સામી અરજી આપી છે અને બંને અરજીની આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ઘનશ્યામપ્રસાદ સામે તપાસ થશે?

સંજાયાના રાકેશભાઇ પટેલે વડતાલ મંદિરના ઘનશ્યામપ્રકાશ શાસ્ત્રી સામે શિષ્યોના શારીરિક શોષણનો આક્ષેપ સાથેની અરજી ચકલાસી પોલીસ મથકે કરી હતી. આ વાતને આઠથી દસ દિવસ વિતી ગયાં હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ મામલે હરિભક્તોમાં ભારે રોષની લાગણી જન્મી છે. સંપ્રદાયને લાંછન લગાડનારાં સંતો સામે પગલાં ભરવા માગણી કરવામાં આવી રહી છે. હરિભક્તોમાં ચર્ચા છે કે, મામલાને દબાવી દેવામાં આવશે!

શું વરિષ્ઠ સંતોના હવસનો શિકાર સેંકડો શિષ્યો બન્યાં છે?

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને શિષ્યો વચ્ચેના શારીરિક સંબંધોના લેટર બોમ્બના ઘટસ્ફોટ બાદ આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. હરિભક્તોમાં થતી ચર્ચા મુજબ, મંદિરમાં સેંકડો શિષ્યો આવાં શોષણનો શિકાર બની ચૂક્યાં છે. વરિષ્ઠ સંતો દ્વારા વારંવાર શિષ્યોને હવસનો શિકાર બનાવવામાં આવ્યાં હોવાની ચર્ચાએ પણ જાર પકડ્યું છે. સંતો દ્વારા અનેક શિષ્યોનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનાં સેંકડો વિડીયો હોવાની પણ ચર્ચા છે.