વલસાડ-

સિવિલ હોસ્પિટલમાં હાલ કરોનાને લઇને સ્થિતિ વિકટ બની રહી છે ત્યારે આજે ગુરુવારે હોસ્પિટલમાં કામ કરતા વર્ગ ત્રણ અને ચારના 370 કરતા વધુ કર્મચારીઓને સમયસર વેતન ન મળતા અને ઓછુ મળતા તેમણે હોસ્પિટલ ગેટ બહાર હોબાળો કરી અચાનક હડતાલ ઉપર ઉતરી જઈ પોતાના કામથી અળગા રહ્યા હતા. અચાનક હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓએ જણાવ્યું હતુ કે, તેમને જે વેતન ચૂકવામાં આવે છે તે 8,400 છે, તેના બદલે આ વખતે 7,400 ચૂકવવામાં આવ્યું છે. આમ દરેક કર્મચારીને વેતનમાંથી કોઈપણ આગોતરી જાણકારી વગર 1000 રૂપિયા કાપી લેવામાં આવ્યા છે. એટલું જ નહિ કોવિડ વોર્ડમાં કામ કરતા કર્મચારીઓને 5 વ્યક્તિનું કામ એક વ્યક્તિએ કરવું પડે છે. આમ વલસાડ જિલ્લાના કર્મચારીને કોન્ટ્રાકટ આપનાર કંપની દ્વારા વેતન ચૂકવવાના આંકડામાં ફેર હોય ત્યારે નારાજ કર્મચારીઓએ આજે ગુરુવારે હડતાલ કરી હતી. વલસાડ સિવિલ હોસ્પિટલમાં હાલ કોવિડ-19ને લઇ વિકટ સ્થિતિ છે. હાલ વલસાડમાં 200થી વધુ એક્ટિવ કોરોના કેસ કાર્યરત છે ત્યારે આજે ગુરુવારે અચાનક કર્મચારીઓ વેતનને મુદ્દે હડતાલ કરી દેતા અનેક દર્દીઓને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ વેતન અંગે કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવે તો આગામી દિવસમાં પણ તેઓ આ હડતાલ ચાલુ રાખશે.