વલસાડ , પશ્ચિમ રેલવેમાં વલસાડ- મોગરાવાડી જ સૌથી નીચો અંડરપાસ-૩૨૯ ધરાવે છે જેમાંથી માત્ર કાર પસાર થઇ શકે છે તેનાથી મોટા વાહનો પસાર થઈ શકતા નથી. જેને દ્વિચક્રી સહિતના વાહનોની અવરજવર બંધ કરવા માટે પશ્ચિમ રેલવેના સિનિયર સેક્સન એન્જિનિયરે પત્ર લખી ૧૫-મૅથી બંધ કરવાની જાહેરાત કરી છે જે અમલી થઇ નથી પરંતુ લોકો માં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. પ્રાપ્ત વિગત મુજબ ડિવિઝનલ સેફ્ટી ઓડિટ જે ૨૩-૨૪ માર્ચે થયું હતું તેમણે ખાસ નોંધ કરીને ૩૨૯ અંડરપાસમાંથી અવર જવર નિયંત્રિત કરવા જણાવ્યું હતું જેના સંદર્ભમાં સિનિયર સેક્સન એન્જિનિયરે તા.૧૨/૫ના પત્રથી ૧૫-૫-૨૧ તા.થી દ્વિચક્રી વાહનો સહિતની તમામ અવરજવર માટે આ ૩૨૯- ગરનાળાને પ્રતિબંધિત જાહેર કરવાનું જણાવ્યું હતું, જે તારીખ વીતી ગઈ છતાં અવર-જવર ચાલુ છે પરંતુ જાે બંધ કરવામાં આવશે તો તેના ૩૦ હજારથી વધુ વસ્તી ધરાવતા મોગરાવાડી વિસ્તાર ના લોકો એ હેરાનગતિ ઉઠાવવી પડશે તે સિવાય વલસાડ ના ગ્રામ્ય વિસ્તાર ના તેમજ નવસારી જિલ્લા ના ખેરગામ તાલુકા ના દૈનિક હજારો વાહનો રેલવે ગરનાળા ક્રમાંક ૩૨૯,૩૩૦,૩૩૧ માંથી પસાર થાય છે. જેમાં દર ચોમાસામાં પાણીનો ભરાવો થતા અવરજવર અવરોધાય છે અને વાયા ધરમપુર ચોકડી થઈ, વધુ બળતણ ફૂંકી, સમય વેડફી ટ્રાફિક સમસ્યા સહન કરી અવર જવર કરે છે છતાં ૫૦ વર્ષથી વલસાડની નેતાગીરી વામણી પુરવાર થતાં ગુજરાત અને કેન્દ્રમાં ભાજપની સરકાર ૭ સાલથી હોવા છતાં આ વિસ્તાર માટે ઓવરબ્રિજની માંગ સંતોષી શક્યા નથી. ખરેખર ઓવરબ્રિજ ઔરંગા નદી પછી ઉત્તરે લીલાપોર રેલવે ફાટક ક્રમાંક ૩૩૪ પાસે બનવો જાેઈએ. જેના માટે દક્ષિણ ગુજરાતના સાંસદો કે ધારાસભ્યો- વલસાડ પાલિકાના શાસકો હજુ પણ સક્રિય થયા નથી જે ૫૦થી વધુ ગામડાના લોકો માટે ભારે દુઃખ છે જેમનો વહેવાર વલસાડ સાથે અવિરત ચાલે છે.વલસાડ-મોગરાવાડી નગરપાલિકાના શાસકો ૩૨૯ મોગરાવાડી અંડરપાસ ચાલુ રખાવવા માટે શું કરે છે તેની રાહ જાેઈએ.વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસરે તો ૧૩મી તારીખે પત્ર મળ્યાની સહી કરી મળેલા પત્ર પર -જરૂરી પગલાં લેશો અને રિપોર્ટ કરશો- પણ લખી દીધું છે. પણ તેમણે આ ગરનાળું બંધ થાય તો તેના કેવા પ્રત્યાઘાતો પડે તેના પર વિચારણા મંથન કર્યું જ નથી જે દુઃખદ છે.