વલસાડ, દમણ ખારા વાડમાં રહેતા અને રિક્ષા ચલાવી ગુજરાતન ચલાવતા સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા રાજા શેખ નામનો રિક્ષાચાલક રવિવાર સામાજિક કામ અર્થે તેમના ફળિયામાં રહેતી કેટલીક મહિલાઓને લઈ અતુલ ગયો હતો. જ્યાંથી મોડી સાંજે દમણ પરત ફરતી વખતે નેશનલ હાઈવે પર એક નાની ઈજાગ્રસ્ત બાળકીને રડતા જાેઇ તેમણે રિક્ષા ઊભી રાખી બાળકીના પરિવારજનો બાબતે આજુબાજુ પૂછપરછ કરી હતી, પરંતુ બાળકીને કોઈ ઓળખતું ન હોવાથી અને બાળકી પોતાની ઓળખ આપી ન શકતા રાજાએ બાળકીને હાઈવે પર પર અંધારામાં એકલી છોડવાના બદલે પોતાના ઘરે લઈ જઈ સ્વખર્ચે બાળકીની સારવાર કરાવી હતી. ઘણી પૂછપરછ છતાં બાળકી કશું ન બોલતા છેવટે રિક્ષાચાલકે બાળકીને દમણ પોલીસને હવાલે કરી સમગ્ર હકીકત જણાવી હતી. બાળકી પારડી પોલીસ મથક હદ વિસ્તારમાંથી મળી આવતા દમણ પોલીસે પારડી પોલીસનો સંપર્ક કરી બાળકીને સોંપી હતી. 

ઇજાગ્રસ્ત બાળકી મળી આવ્યાના સમાચારથી વલસાડના એસ.પી. ડૉ. રાજદીપસિંહ ઝાલાએ પારડી પોલીસ મથકે આવી હકીકત જાણી હતી. બાળકી સાથે કોઈ અનિચ્છનીય ઘટના બની નથીને તે બાબતે એસપી.એ અલગ-અલગ ડૉક્ટરોને બોલાવી બાળકીની તપાસ કરાવી હતી. જાેકે, તપાસ દરમિયાન આવી કોઈ ઘટના ન બની હોવાનું સામે આવતા પોલીસતંત્રએ હાશકારો અનુભવ્યો હતો. હાલમાં બાળકીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની તજવીજમાં પોલીસ લાગી ગઈ છે અને બાળકીના પરિવારજનોને શોધવા માટે એસ.પી.ના માર્ગદર્શન હેઠળ પારડી પોલીસે અલગ-અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી દીધી છે.