રાજકોટ, રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પર બહુમાળી ભવન ચોક નજીક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. રેલવે હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ચાલુ રસ્તામાં એમ્બ્યુલન્સની અંદર ઓક્સિજન બોટલ વાલ્વ લીક થવાની ઘટના સામે આવી હતી. જેના પગલે દર્દીનાં સગાઓ અવાચક થઈ ગયા હતા. આ ઘટનાને પગલે સ્થાનિકોની મદદથી દર્દીને મુશ્કેલી ન પડે તે માટે તાત્કાલિક રિક્ષામાં ખસેડવાની ફરજ પડી હતી. આજે બપોરના સમયે ૧ વાગ્યા આસપાસ રેલવે હોસ્પિટલની એક એમ્બ્યુલન્સ બે દર્દીઓને લઈ સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે લઈ જઈ રહી હતી. દરમિયાન રેસકોર્સ રિંગ રોડ પર બહુમાળી ભવન ચોક પહોંચતા સમયે અચાનક એમ્બ્યુલન્સમાં ઓક્સિજન બોટલ વાલ્વ લીક થયો હતો. જેના કારણે દર્દીઓ અને તેમના સબંધીઓ સ્તબ્ધ બની ગયા હતા. જાેકે, સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના સ્હેજમાં ટળી હતી અને સ્થાનિકોએ તાત્કાલિક અન્ય એમ્બ્યુલન્સની રાહ જાેવાના બદલે દર્દીને રિક્ષામાં બેસાડી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રેલવે હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં દર્દીઓ હોવા છતાં ઓક્સિજન બોટલના વાલ્વ કીટમાં લીકેજની ઘટનાને લઈને લોકોમાં કેટલાક સવાલો ઉઠી રહ્યા છે.