થોડા દિવસ પહેલા મારા મિત્ર રાજ અને તેમના પત્ની જિગીષા મારા ઘરે માતાજીના દર્શને આવેલા. ત્યારે વાતવાતમાં માતાજીના છડીદાર શ્રી નારસંગ વીર મહારાજ વિશે વાત નીકળી. એ દિવસે જે ચર્ચા ચાલી એ પછી હું આજનો લેખ લખી રહ્યો છું, જેમાં આપણે ૫૨ વીર વિશે વાત કરીશું. ચાલો, આજે આપણે જાણીએ.
કોણ છે બાવન વીર ?
વીર સાધના ભારતમાં વર્ષો અને યુગોથી ચાલી આવેલી છે. આમ તો તેનો ઉલ્લેખ ઘણા પૌરાણિક તંત્ર સંબંધિત ગ્રંથોમાં થયેલો છે, પણ વિષયવાર ચર્ચા ચંદબરદાઈ લિખિત પૃથ્વીરાજરાસોમાં જાેવા મળે છે.
૫૨ વીર એ ભૈરવી કે યોગિનીના અનુયાયીઓ કે ભૈરવના ગણ તરીકે જાણીતા છે. દક્ષ પ્રજાપતિના બૃહસ્પતિક યજ્ઞના ધ્વંસ પછી જ્યારે શક્તિપીઠોનું સ્થાપન થયું ત્યારે દરેક શક્તિપીઠમાં ત્યાં સ્થાપિત ઊર્જાના રક્ષણ માટે મહાદેવે ભૈરવની સ્થાપના કરી. આ ભૈરવના ગણ અને જે તે સ્થળના પ્રતિપાલક એટલે વીર. દરેક દેવીના સ્વરૂપની સાથે ભૈરવ અને અમુક વીર ચોક્કસ સ્થાપિત હોય જ છે. જેમ કે મહાકાળી માતાની સાથે કાળ ભૈરવ અને ક્ષેત્રપાળ વીર કે મેમદો પીર, બહુચરાજીની સાથે ત્રિપુરેશ ભૈરવ અને નારસંગ વીર.
આ વીરની સાધના વિધિઓ બંધ ઓરડામાં, સ્મશાનગૃહમાં અથવા એકાંત સ્થળે કરવામાં આવે છે, જ્યાં લગભગ કોઈ આવતું જતું ન હોય. તંત્રસાધનામાં વીર સાધનાનું સ્થાન ખૂબ ઊંચું અને અગત્યનું માનવામાં આવે છે. વીરની સાધનાના આધ્યાત્મિક અભ્યાસ પછી, વ્યક્તિ સરળતાથી દુષ્ટ અને ભૂત-પ્રેતથી પીડાતા લોકોને તેમાંથી મુક્ત કરાવી શકે છે. વીર તેના સાધકનો આદેશ મળતાં જ તેનું કામ કરે છે ! ફક્ત વિઘ્ન જ દૂર કરવાનું નહીં, પણ વીર સાધક પર ખુશ થાય તો નસીબમાં ન હોય તે પણ તેને પણ આપે છે.
હિન્દુ તંત્રમાં મૂળભૂત રીતે બાવન વીરના નામનો ઉલ્લેખ છે, જેમના નામ નીચે મુજબ છે ઃ
૧-ક્ષેત્રપાલ વીર,૨-કપિલ વીર,૩-બટુક વીર,૪-નારસંગ વીર(રાજસ્થાનમાં ઘણી જગ્યાએ આ વીર નાહર સંગ વીર તરીકે પણ પૂજાય છે.),૫-ગોપાલ વીર,૬-ભૈરવ વીર,૭-ગરુડ વીર,૮-મહાકાલ વીર,૯-કાલ વીર,૧૦-સ્વર્ણ વીર ,૧૧-રક્તસ્વર્ણ વીર(ઉત્તર ગુજરાત અને ગુજરાત-મહારાષ્ટ્રના ઘાટ પ્રદેશના આદિવાસી વિસ્તારમાં તેઓ ‘રગતિયા વીર’ તરીકે પૂજાય છે. કહેવાય છે કે તેમના આહ્વાન સમયે તેમનો પ્રભાવ એટલો પ્રચંડ હોય છે કે તેમને તરત જ મદિરા કે રક્ત આપવું પડે છે અન્યથા તે સાધકના શરીરમાંથી રક્તનું સેવન કરવા લાગે છે.),૧૨-દેવસેન વીર,૧૩- ઘંટપથ વીર,૧૪-રુદ્રવીર,૧૫-તેરસંઘ વીર,૧૬-વરુણ વીર,૧૭-કંધર્વ વીર,૧૮-હંસ વીર,૧૯-લૌંકડિયા વીર,૨૦-વહી વીર,૨૧-પ્રિયમિત્ર વીર,૨૨-કારુ વીર,૨૩-અદ્રશ્ય વીર,૨૪-વલ્લભ વીર,૨૫-વજ્ર વીર,૨૬-મહાકાલી વીર,૨૭-મહાલાભ વીર,૨૮-તુંગભદ્ર વીર,૨૯-વિદ્યાધર વીર ,૩૦-ઘંટાકર્ણ વીર,૩૧-વૈદ્યનાથ વીર,૩૨-વિભીષણ વીર,૩૩-ફહેતક વીર,૩૪-પિતૃ વીર,૩૫-ખડગ વીર,૩૬-નાગસ્ત વીર,૩૭-પ્રદ્યુમ્ન વીર,૩૮-સ્મશાન વીર,૩૯-ભરુદગ વીર,૪૦-કાકલેકર વીર ,૪૧-કંપિલાભ વીર,૪૨-અસ્થિમુખ વીર,૪૩-રેતોવેદ્ય વીર,૪૪-નકુલ વીર,૪૫-શૌનક વીર,૪૬-કાલમુખ વીર,૪૭- ભૂતભૈરવ વીર,૪૮-પૈશાચ વીર,૪૯-ત્રિમુખવીર,૫૦-ડચક વીર,૫૧-અટ્ટલાદ વીર,૫૨-વાસ્મિત્ર વીર
કોણ છે નારસંગ વીર ? નારસંગ વીર એ બહુચર માતાના છડીદાર છે. બહુચરમાની નાનામાં નાની દેરી હશે ત્યાં પણ સૌથી પહેલા આ વીર દાદાનું સ્થાનક હોય છે. જાે દાદાની રજા હોય તો જ માણસ માના સ્થાનકે પહોંચી શકે છે.
ઇતિહાસ મુજબ વર્ષો પહેલા ચુંવાળ પંથકમાં બોરુવન આવેલું હતું. આ પ્રદેશમાં માતાજીના સ્થાનક નજીક ગાયો ઘાસ ચરતી અને કુકડા રમ્યા કરતા. એક વાર આ સ્થળે મોગલો આવી પહોંચ્યા અને ગાયોને મારવાનું ચાલુ કર્યું. આ સમાચાર નારસંગ વીરને મળતા તેઓ પોતાના ઘોડા પર બેસીને યુદ્ધે ચડ્યા. મોગલો સામી છાતીએ પહોંચી ના વળતાં તેમણે પીઠ પર તલવારથી ઘા કર્યો. ઉપરાઉપરી પ્રહારથી ઘાયલ થયેલ ઊંચા અવાજે માને સાદ કરીને વીરગતિ પ્રાપ્ત થયા. બીજી બાજુ મોગલોએ કુકડા મારી ખાધા. થોડા સમય પછી રાત પડી અને બીજી સવારે માની લીલાથી એક કૂકડો બોલ્યો અને તરત જ બધા કુકડા મોગલોના પેટ ફાડીને બહાર નીકળ્યા અને તત્ક્ષણ મૃત્યુ પામ્યા. માએ પોતાની શક્તિથી તમામ ગાયો અને કુકડાને જીવિત કર્યા અને નારસંગજીને વરદાન આપ્યું કે, “ હે નારસંગજી, આજે તમે મારી ગાયો અને કુકડાઓ માટે બલિદાન આપ્યું. આજથી તમે મારા છડીદાર રહેશો. મારા મંદિરે આવતા પહેલા લોકો તમને વંદન કરશે અને તમારી મંજૂરી પછી જ કોઈ મારા સુધી આવી શકશે.” નારસંગ વીર સાત્વિક અને તામસિક બંને રીતે પૂજા થાય છે. સાત્વિક પૂજામાં વીરને ચવાણું, પેંડા અને શ્રીફળ ચડે છે જ્યારે તામસી પૂજા કરનાર લોકો તેમને મદિરાનો પણ ભોગ ચડાવતા જાેવામાં આવ્યા છે.
જૈન ધર્મમાં આ બાવન વીરથી ઉપર સર્વોપરી એવા “શ્રી માણીભદ્ર વીર દાદા”ની સાધનાનું વિધાન છે, જેમના મુખ્ય સ્થાનક વિજાપુર નજીક આગલોડ, ઉજ્જૈન અને પાલનપુર નજીક મગરવાડા મુકામે આવેલ છે. જૈન ધર્મના ઇતિહાસ મુજબ ચક્રેશ્વરી દેવીના આવાહન કર્યા બાદ શાંતિસોમસૂરીશ્વરજી મહારાજે મગરવાડા નજીક માણીભદ્રવીર દેવની અંજનશલાકા કરીને તેમને જાગૃત કર્યા. દેવે ત્યાર બાદ અન્ય એક ફિરકાના સાધુએ મારણ માટે મોકલેલા ભૈરવને વશમાં કર્યા અને કે કોઈ જૈન ધર્મમાં વિતરાગ પરમાત્માની પૂજા કરે તેને પીડા નહીં પહોચાડવાનું અભય વચન લીધું. આ વીર દાદા વિશે આપણે હવે પછીના એકાદ અંકમાં વિગતે ચર્ચા કરીશું.
તંત્ર પરંપરામાં આ બધા વીર ખૂબ શક્તિશાળી છે. વીરનું સાધન થયા પછી સાધકમાં ઘણી દુર્લભ શક્તિઓ આવે છે. વીર દરેક સમયે અદ્રશ્ય સ્વરૂપમાં સાધકની સાથે રહે છે. વીરની સાધના અન્ય કોઈ સાધના કરતા વધુ ઝડપી સાબિત થાય છે, ફક્ત તમારામાં આત્મવિશ્વાસ હોવો જાેઈએ. જાે કે વીરની સાધના સાધનાના વામ માર્ગ હેઠળ માનવામાં આવે છે, તેથી ધ્યાનમાં રાખવું કે આ સાધના યોગ્ય ગુરુના માર્ગદર્શન હેઠળ જ થવી જાેઈએ અન્યથા તેના ઘણા દુષ્કર પરિણામો આવી શકે છે.
કળિયુગમાં સૌથી શીઘ્ર ફળ પ્રાપ્ત કરવા સાત્વિક રીતે અમુક વીરોની પૂજાનું વિધાન છે, જે ધ્યાનપૂર્વક કરવાથી નિશ્ચિત ફળ પ્રાપ્ત થાય છે. ક્ષેત્રપાળ વીર( જે તે જગ્યાના (ક્ષેત્રના) રક્ષક એટલે ક્ષેત્રપાળ. સામાન્ય રીતે આપણે નાગદેવતા, ભાથીજી કે ગોગા મહારાજને ક્ષેત્રપાળ તરીકે પૂજીએ છીએ. ઘણ્ટાકર્ણ વીર(મહુડી વાળા), મણિભદ્ર વીર (જેનો ઉપર ઉલ્લેખ કર્યો). - આ ત્રણ વીર જૈન ધર્મમાં મુખ્યત્વે પૂજાય છે અને તેમનું પૂજન પણ સાત્વિક છે. શુદ્ધ બ્રહ્મચર્ય, સાત્વિક ભોજન, ચોવિહાર કે આયંબિલ સહિતનું અનુષ્ઠાન અને નિશ્ચિત સંખ્યામાં જાપ કરવાથી દેવ પ્રસન્ન થાય છે અને અપ્રત્યક્ષ સ્વરૂપે જે કોઈ યોગ્ય માંગણી કે મનોકામના હોય તે પૂરી કરે છે. ખાસ ધ્યાન રાખવું કે અહી સાત્વિક પૂજન થતું હોવાથી વીર કોઈ પણ અયોગ્ય માંગણી પૂર્ણ કરશે નહીં કે કરવા માટે બંધાશે નહીં, તેમ છતાં જાે કોઈ રીતે દેવ પાસે આ પ્રકારનું કાર્ય કરાવવામાં આવે તો તેનું દુષ્પરિણામ ભોગવવું જ રહ્યું.
Loading ...