બારિયા પાલિકા પ્રમુખપદનો ચાર્જ ઉપપ્રમુખ ગૌરાંગભાઈ પંડ્યાને સોંપાયો
20, જાન્યુઆરી 2021

દે.બારીયા

દેવગઢ બારીયા નગરપાલિકામાં સત્તા માટે પક્ષપલટો કરી પ્રમુખપદે બિરાજનાર દક્ષાબેન નાથાણીને ગણતરીના મહિનાઓમાં રાજ્યના શહેરી ગૃહ નિર્માણ વિભાગના નામોદિસ્ટ અધિકારી દ્વારા પાલિકાના સભ્યપદેથી ગેરલાયક ઠરાવવામાં આવતા તેમના સ્થાને પ્રમુખપદે વર્તમાન ઉપપ્રમુખ ગૌરાંગભાઈ પંડ્યાને મુકવામાં આવતા તેમજ છેલ્લા કેટલાય સમયથી ઇન્ચાર્જ ચીફ ઓફિસરથી ચાલતી દેવગઢ બારીયા નગરપાલિકામાં નવા ચીફ ઓફિસરની પણ નિમણૂક કરવામાં આવતા આ નવા ચીફ ઓફિસર કેટલા દિવસ ટકશે તે તો આવનાર સમય બતાવશે.

બે માસ અગાઉ દેવગઢ બારીયા નગરપાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખની અવધી પૂરી થતા તે બાબતે પક્ષમાં સંમતિ ન સધાતા બંને પદની ચૂંટણી અનિવાર્ય બની હતી. પ્રમુખપદ માટે કોંગ્રેસનાં ચિન્હ પર વિજેતા બનેલ દક્ષાબેન નાથાણીએ કોંગ્રેસના સભ્યની દરખાસ્તથી અને ભાજપના સભ્યોના ટેકાથી પાલિકામાં પ્રમુખપદ માટેનું ફોર્મ ભર્યું હતું. જ્યારે સામાપક્ષે ભાજપમાંથી બળવો કરી ડોક્ટર ચાર્મી સોનીએ પણ પ્રમુખ પદ માટેનું ફોર્મ ભર્યું હતું. મતદાન થતાં બંને ઉમેદવારને બાર બાર મત મળ્યા હતા. જેથી નિયમ મુજબ બંનેના નામની ચિઠ્ઠી ઉછાળવાનીમાં આવી હતી જેમાં દક્ષાબેન નાથાણીના નામની ચિઠ્ઠી ખુલતા દક્ષાબેન નાથાણીને પ્રમુખ પદે બેસાડવામાં આવ્યા હતા. તેવામાં બંને પક્ષો વચ્ચેનો ખટરાગ ચરમસીમાએ પહોંચતા પ્રમુખ દક્ષાબેન નાથાણી સામે ૧૨ સભ્યોના હસ્તાક્ષર સાથેની અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. તે દરમિયાન પાલિકાની એક મહિલા સદસ્ય અગાઉ કરેલ વિવાદ અરજીની સુનાવણીના અંતે શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગર દ્વારા દક્ષાબેન નાથાણીને પક્ષાંતર ધારા અન્વયે નગરપાલિકાના સભ્ય તરીકે ગેરલાયક ઠરાવવામાં આવતા દક્ષાબેનનું પ્રમુખપદ છીનવાઈ ગયું હતું. તેમના સ્થાને હાલ પૂરતા પ્રમુખ પદે હાલના ઉપપ્રમુખ ગૌરાંગ પંડ્યાને મુકવામાં આવ્યા છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી ઇન્ચાર્જ ચીફ ઓફિસરો દ્વારા રગશિયા ગાડાની જેમ ચાલતી દેવગઢબારીયા નગરપાલિકામાં આજે નવા ચીફ ઓફિસરને પાલિકાનો ચાર્જ સોંપવામાં આવતા નવા ચીફ ઓફિસર કેટલો સમય ટકશે તે તો આવનાર સમય બતાવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution