વડોદરા : બોગસ માર્કશિટથી માંડી બિટકોઈન અને લોન અપાવવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી કરતી ગેંગનો મુખ્ય સૂત્રધાર સુખપાલસિંગ વાલા ઉર્ફે વિક્કી સરદારની બીજીવારની જામીનઅરજી અત્રેની અદાલતે ફગાવી દીધી છે. બીજી તરફ આ ઠગટોળકીએ હવે ન્યૂઝ પોર્ટલ શરૂ કરી પોલીસ અને અન્ય વિભાગો ઉપર દબાણ લાવવાનો પ્રયાસ શરૂ કર્યો હોવાનું બહાર આવ્યું છે.મામૂલી મુફલીસમાંથી રાતોરાત માલદાર બની જવા માટે વિક્કી સરદારે અનેક ગંભીર પ્રકારના ગુનાઓને અંજામ આપ્યો હતો. જેમાં બળાત્કારથી માંડી મારામારી, ગુંડાગીરી, ખંડણી, છેતરપિંડી, ડુપ્લિકેટ માર્કશિટ, બિટકોઈન અને મનીલોન્ડરિંગ જેવા ગુનાઓમાં વિક્કી સરદાર સંડોવાયેલો હતો. પરંતુ અગાઉ શહેર પોલીસતંત્રમાં નંબર-રનું સ્થાન ભોગવતા એક ઉચ્ચ પોલીસ અધિકારી સાથેના સંબંધોને કારણે છટકી જતો હતો. બોગસ માર્કશિટથી ઠગવાનું શરૂ કરનાર વિક્કી સરદારે બાદમાં જિતુ યાદવ, દિલીપ કેરી અને વિજય અગ્રવાલ જેવા માથાભારે તત્ત્વો સાથે મળી નોર્થ ઈસ્ટના રાજ્યોમાં કહેવાતી યુનિવર્સિટીઓ ખોલી નાખી હતી જેમાં કરોડો રૂપિયા કમાયા બાદ બિટકોઈનના ધંધામાં ઝંપલાવ્યું હતું અને આ ઠગટોળકીએ બાદમાં મોટી રકમની લોન અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી પણ કરી હોવાનું કહેવાય છે. બાદમાં કરોડો રૂપિયાની વહેંચણી બાબતે વિક્કી સરદાર, જિતુ યાદવ અને વિજય અગ્રવાલ વચ્ચે વિવાદ શરૂ થયો હતો અને એકબીજાને પાડી દેવાના ષડ્‌યંત્ર રચવામાં આવ્યા હતા જેના ભાગરૂપે જ વિજય અગ્રવાલને રેપના ખોટા કેસમાં વિક્કી સરદાર અને જિતુ યાદવે ફસાવી દીધો હોવાનું બહાર આવ્યું હતું. બીજી તરફ વિક્કી સરદારના પાપનો ઘડો ભરાઈ ગયો હતો અને પીસીબીએ બોગસ માર્કશિટનું કૌભાંડ ઝડપી પાડયું હતું જેમાં રેલો વિક્કી સરદાર સુધી પહોંચતાં તેની ધરપકડ થઈ હતી અને બાદમાં થયેલી તપાસમાં પીસીબીને ચોંકાવનારી માહિતી મળી હતી. જેમાં બેન્ક ખાતાઓમાં કરોડો રૂપિયાની લેવડદેવડ પણ બહાર આવી હતી. જેલમાં લાંબા સમય રહ્યા બાદ વિક્કી સરદારે જામીન ઉપર છૂટવા માટે ધમપછાડા કર્યા હતા અને રેગ્યુલર જામીનઅરજી એકવાર નામંજૂર થઈ હતી, બાદમાં અન્ય ભાગીદારો જિતુ યાદવ, વિજય અગ્રવાલ સાથે જેલમાંથી બહાર આવવા માટે વિક્કી સરદારે સમાધાન કર્યું હતું એ મુજબ જેલમાં મુલાકાતો અને ફોન ઉપર લાંબી ચર્ચા થયા બાદ ફરીથી અત્રેની અદાલતમાં વિક્કી સરદારે જામીનઅરજી મુકી હતી, જે અદાલતે પુનઃ ફગાવી દેતાં હવે વિક્કી સરદારને લાંબો જેલવાસ ભોગવવો પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે.

પોલીસ ઉપર પ્રભાવ પાડવા ન્યૂઝ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું

બોગસ માર્કશિટના ધંધામાં કરોડો રૂપિયા કમાયા બાદ વહેંચણીમાં ભાગીદારો વિક્કી સરદાર, જિતુ યાદવ અને વિજય અગ્રવાલ વચ્ચે વિવાદ થયા બાદ એકબીજાના લોહી તરસ્યા બન્યા હતા, પરંતુ પોલીસને ધોંસ વધતાં અને વિક્કી સરદાર જેલમાં ધકેલાઈ જતાં ત્રણેય વચ્ચે ખાનગીમાં સમાધાન થયું હોવાની અંધારીઆલમમાં ચર્ચાય છે. હવે પોલીસ ઉપર પ્રભાવ પાડવા માટે આ ઠગટોળકીએ એક ન્યૂઝ પોર્ટલની શરૂઆત કરી છે જેમાં લાખો રૂપિયા જિતુ યાદવ, વિજય અગ્રવાલ અને વિક્કી સરદારે રોકી એક રાષ્ટ્રીય ચેનલમાંથી રવાના કરાયેલાને વેબપોર્ટલનો કારભાર સોંપ્યો છે