વડોદરા : ક્રિકેટનો સટ્ટો ઝડપાતાં પીસીબીને બગાસુ ખાતાં પતાસુ મળ્યું હતું એવા બોગસ માર્કશિટ કૌભાંડ હવે આંતરરાષ્ટ્રીય હોવાનું બહાર આવ્યું છે. ત્યારે પોલીસના ખાસ મનાતા વિક્કી સરદારની મેઘાલયમાં આવેલી વિલિયમ કેરી યુનિવર્સિટી સુધી તપાસનો રેલો લંબાશે. પોલીસે ઝડપેલા ત્રણની પૂછપરછ દરમિયાન બોગસ માર્કશિટો અને ડિગ્રી સર્ટિફિકેટોના આધારે અનેક વિદ્યાર્થીઓ પરદેશ પહોંચી ચૂકયા છે. ત્યારે પીસીબી જાે તપાસ કરે તો કરોડો રૂપિયાની લેતીદેતીના વ્યવહારો પણ બહાર આવી શકે એમ છે. 

પીસીબીની સટ્ટાબેટિંગની કાર્યવાહી સામે અનેક આક્ષેપો થયા હતા. ત્યારે સટ્ટામાં ઝડપાયેલા એક જુગારીના મોબાઈલ ફોનમાંથી બોગસ માર્કશિટનંુ કૌભાંડ ઝડપાયું હતું. જેની તપાસમાં મહારાષ્ટ્રના દિલીપ મોહિતેને ઝડપી લાવી એની પૂછપરછ દરમિયાન વડોદરાના ત્રણ એજન્ટો રેહાન, કબીર અને ભરૂચના સિરાજ સાથેના સંપર્કો બહાર આવ્યા હતા. એમની ઓફિસ ઉપર દરોડો પાડવામાં આવતાં ત્યાંથી મળેલી ૫૦૦ જેટલી બોગસ માર્કશિટોમાં વિક્કી સરદારની મેઘાલયમાં આવેલી વિલિયમ કેરી યુનિવર્સિટીના સર્ટિફિકેટ અને માઈગ્રેશન સર્ટિ. માર્કશિટો મળી આવી હતી.

દિલીપ મોહિતેના જણાવ્યા અનુસાર પીસીબી પોલીસે ગત તા.ર૧ નવેમ્બરના રોજ ફતેગંજ વિસ્તારના બ્લ્યુ ડાયમંડ એપાર્ટમેન્ટમાં આવેલ રેહાન સિદ્દીકીની ઓફિસ અને ભરૂચ ખાતેના જય કોમ્પલેક્સમાં આવેલ સિરાજ સૈયદની ઓફિસ મળી બંને ઓફિસમાં દરોડો પાડયો હતો. પોલીસે બંને ઓફિસમાં તપાસ કરતાં અલગ અલગ સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડની માર્શિટ, ભારતની વિવિધ યુનિવર્સિટીની માર્કશિટ, ડિગ્રી સર્ટિફિકેટ, સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી, મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી, માસ્ટર ઓફ કોમ્પ્યૂટર અને વિવિધ માસ્ટર ડિગ્રીના સર્ટિફિકેટ તેમજ માઈગ્રેશન સર્ટિફિકેટો મળી પ૦૦થી વધુ સર્ટિફિકેટો મળી આવ્યા હતા.

૫૦૦થી વધુ સર્ટિફિકેટ મળી આવતાં પોલીસે રેહાન અબ્રાર અહેમદ સિદ્દીકી (રહે. યોગકુટિર, તાંદલજા), કબીર મોહંમદ ફારૂક બાદશાહ (રહે. મોગલવાલા, વાડી) અને સિરાજ તાજુદીન સૈયદ (રહે. જૂની કોર્ટ, ભરૂચ)ની ધરપકડ કરી ત્રણેય વિરુદ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રેહાન સિદ્દીકી મીમ ઈન્સ્ટિટયૂટ ફોર મેનેજમેન્ટ ટેકનિકલ સ્ટડી નામની ઓફિસ ચલાવતો હોવાથી તેના દ્વારા આપવામાં આવેલ ડિગ્રી સર્ટિફિકેટથી કેટલા લોકો વિદેશમાં અભ્યાસ તેમજ નોકરી કરવા ગયા છે તે અંગે તપાસ કરવાની બાકી છે. જેથી ગોત્રી પોલીસના ગુનામાં ધરપકડ થયેલ રેહાન સિદ્‌ીકીનું ટ્રાન્સફર વોરંટ મેળવી ફતેગંજ પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં ધરપકડ કર્યા બાદ રેહાન પાસેથી ડુપ્લિકેટ સર્ટિફિકેટ મેળવી વિદેશ અભ્યાસ તેમજ નોકરી કરવા કોણ કોણ ગયું છે તે અંગે તપાસ કરાશે.ગોત્રી પોલીસના ગુનામાં સંડોવાયેલ નોએલ પરેરાએ એમ.એસ.યુનિ.માં અભ્યાસ અર્થે એડમિશન લીધું છે, જે એડમિશન એમ.એસ.યુનિ.માં કોના કહેવાથી, કેવી રીતે લીધું છે તે અંગે પોલીસ તપાસ કરશે. આ ઉપરાંત સિરાજ તાજુદીન સૈયદને સાથે રાખી ભરૂચ ખાતેની ઓફિસમાં પણ પોલીસ તપાસ કરશે અને ભરૂચ વિસ્તારના કેટલા વિદ્યાર્થીઓને બોગસ સર્ટિફિકેટ આપેલ છે તે દિશામાં પોલીસ તપાસ કરશે.

કૌભાંડમાં બેંક ખાતાઓની પણ પોલીસ તપાસ કરશે

વિલિયમ કેરી યુનિવર્સિટીના ડાયરેકટર વિક્કી સરદાર સાથે પોલીસની મિલીભગતનો આરોપ છે ત્યારે આ ત્રણેય એજન્ટો જે બેન્ક ખાતામાં યુનિ.ને મોટી મોટી રકમ મોકલતા હતા એની તપાસ થશે. મકરપુરાની બેન્કમાં આવેલા રાજવીર એન્ટરપ્રાઈઝ, સમર એન્ટરપ્રાઈઝ અને પવન એન્ટરપ્રાઈઝના ખાતાઓની લેવડદેવની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવશે. ટૂંકમાં તપાસ અધિકારીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અમે બુઝાવેલો દીવો પુનઃ પ્રગટાવીશું.

કોમ્પ્યૂટર, વિવિધ ડિગ્રીઓની બોગસ માર્કશિટો કબજે કરવામાં આવી

મુક્ત વિદ્યાલય શિક્ષા પરિષદ હરિયાણાની ધો.૧૦ અને ૧રની માર્કશિટ અને માઈગ્રેશન સર્ટિફિકેટ, હરિયાણા કાઉન્સિલ ઓફ ઓપન સ્કૂલની ધો.૧૦ અને ૧રની માર્કશિટ અને માઈગ્રેશન સર્ટિફિકેટ કાઉન્સિલ, કાઉન્સિલ ઓફ સ્કૂલ એન્ડ ટેકનોલોજી એજ્યુકેશન મધ્યપ્રદેશના ધો.૧૦ અને ૧રના સર્ટિફિકેટો, ઓપીજેએસ યુનિવર્સિટી, છરુ રાજસ્થાન ઈન્ડિયાના ડિગ્રી સર્ટિફિકેટો તેમજ બીટેક્‌ અને મિકેનિકલ એન્જિનિયરિંગના સર્ટિફિકેટો, કર્ણાટક ઓપન યુનિ. મૈસુરના ડિગ્રી સર્ટિફિકેટો તેમજ બીટેક્‌ અને મિકેનિકલ એન્જિનિયરિંગના સર્ટિફિકેટો. મોનાડ યુનિ. હાપુર, ઉત્તર પ્રદેશના મિકેનિકલ એન્જિનિયરિંગ તેમજ માસ્ટર ડિગ્રી અને માસ્ટર ઓફ કોમ્પ્યૂટરના સર્ટિફિકેટો. વિલિયમ કેરી યુનિવર્સિટી મેઘાલયના માઈગ્રેશન સર્ટિફિકેટો અને ડિગ્રી સર્ટિફિકેટો. કોલોરેક્સ ટીચર્સ યુનિ. અમદાવાદ-ગુજરાતના માસ્ટ ઓફ કોમ્પ્યૂટરના સર્ટિફિકેટો. રાજસ્થાન સ્ટેટ ઓપન સ્કૂલ રાજસ્થાન સરકારના સર્ટિફિકેટો. ડો. ભીમરાવ આંબેડકર વિશ્વવિદ્યાલય આગ્રા, ફોર્મલી આગ્રા યુનિ.ની બેચરલ ઓફ કોમર્સના સર્ટિફિકેટો. એન.કે.એકેડેમી દાહોદની એક્રેડિસહન ઈન્સ્ટિ. ઝારખંડ સ્ટેટ ઓફ સ્કૂલના સર્ટિફિકેટો. જે.આર.એન. રાજસ્થાન વિદ્યાપીઠ યુનિ. ઉદેપુર-રાજસ્થાનના સર્ટિફિકેટો. શોભિત યુનિ.ની શોભિત ઈન્સ્ટિટયૂટ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના સર્ટિફિકેટો, સીએમજે યુનિ. મેઘાલયના વિવિધ નામોના અલગ અલગ વર્ષ તેમજ કોર્સની માર્કશિટની ૩૦ ઝેરોક્ષ. એસ્ટર્ન ઇન્સ્ટિટયૂટ ફોર ઈન્ટિગ્રેટેડ લર્નિંગ અને મેનેજમેનટ યુનિ. સિક્કીમના સર્ટિફિકેટો સહિતનું સાહિત્ય કબજે કર્યંુ છે.