ગાંધીનગર-

ગાંધીનગર તાલુકા પંચાયત પર કોંગ્રેસની જીત થઈ છે. ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. કોંગ્રેસના ગોપાલજી ઠાકોર પ્રમુખ અને સુરેશ પટેલ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે. ભાજપ પાસેથી કોંગ્રેસે બીજી ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખનું પદ છીનવ્યું છે. ચૂંટણીના પરિણામ વિશે તાલુકા વિકાસ અધિકારી જીએ ધાંધલીયાએ જણાવ્યુ કે, કોંગ્રેસના પ્રમુખને ૧૬ સભ્યોનો ટેકો મળતાં તેઓ વિજેતા થયા છે. તેમજ ભાજપના ઉમેદવારની હાર થઈ છે.

ઉપપ્રમુખની ચૂંટણી માટે સુરેશ પટેલ કોંગ્રેસના ઉમેદવારને ૧૬ મત મળ્યા છે, જેથી તેઓ વિજેતા થયા છે. આમ, કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ અઢી વર્ષની મુદત માટે વિજેતા થયા છે. ગાંધીનગર તાલુકા પંચાયતના નવા ચૂંટાયેલા પ્રમુખ ગોપાલજી પોતાની જીત વિશે તાલુકાનો સંપૂર્ણ વિકાસ થાય તેવી અપેક્ષા સાથેનો દાવો કર્યો છે. ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી મામલે આજે પુનઃ સામાન્ય સભા મળીહતી. સામાન્ય સભા બાદ ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ હતી. ગાંધીનગર તાલુકા પંચાયતના બીજી ટર્મ માટેના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના દીપકભાઈ પટેલે પ્રમુખ પદ માટે જ્યારે જગદીશભાઈ પટેલે ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી હતી.

તો બીજી તરફ, કોંગ્રેસના ગોપાલજી ઠાકોરે પ્રમુખ પદ માટે, જ્યારે કે સુરેશભાઈ પટેલે ઉપપ્રમુખ પદ માટેના ઉમેદવાર હતા. કોંગ્રેસ પાસે અપક્ષ સહિત ૧૬ સભ્યો હતા. જ્યારે ભાજપ પાસે ૧૧ સભ્યોનું સંખ્યા બળ હોવાનો દાવો કરાયો હતો. ૯ સભ્યો ટર્મિનેટ થતા હાલ તાલુકા પંચાયતની સભ્ય સંખ્યા ૩૬ થી ઘટી ૨૭ થઈ હતી. ચૂંટણીને પગલે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.